અમદાવાદ-

ડિસ્કવરી ચેનલના જાણીતા શૉ ‘MAN VS WILD’ ના હોસ્ટ બેયર ગ્રીલ્સ ફરી એક વખત ભારતનો પ્રવાસ કરશે. આ વખતે તે ફરી એકવખત ભારતના જંગલમાં ટ્રેકિંગ કરતા જોવા મળશે. પણ આ વખતે એમનું લોકેશન એશિયાટિક સિંહની ઓળખ અને નિવાસસ્થાન સમુ ગુજરાતનું ગીરનું જંગલ હોઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે, ગ્રીલ્સના આ શૉમાં એની સાથે મહાનાયક અમિતાભ બચ્ચન આવી શકે છે.

મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય સરકારના એક અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર ગીરમાં શુટિંગ માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી માગવામાં આવી છે. જે મંજૂરીની અરજી ગુજરાત રાજ્ય સરકાર સુધી પહોંચી છે. રાજ્ય સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાતના વન વિભાગની અંતિમ મંજૂરી મળ્યા બાદ માર્ચ મહિનામાં શુટિંગ શરૂ થાય એવી શક્યતા છે. ગ્રીલ્સની ટીમે શુટિંગ માટેના લોકેશનની તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. અમિતાભને કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે ગ્રીલ્સની ટીમ 45 મિનિટનું શુટિંગ દોઢ જ દિવસમાં ખતમ થઈ જાય એ માટેનું ખાસ હોમવર્ક કરી રહી છે. જો બધું યોગ્ય રહ્યું અને શુટિંગ શરૂ થયું તો ફરી એકવખત સાસણ ગીરનું જંગલ વિશ્વફલક પર દેખાશે. અગાઉ પણ નેશનલ જીયોગ્રાફિક્સની ટીમ અહીં આવી હતી.