વડોદરા, તા.૧૪

વડોદરા શહેરની આગવી હેરિટેજ ઓળખ પુનઃ પ્રાપ્ત થાય તે માટે વિધાનસભાના દંડકે ટીમ વડોદરા સાથે પ્રયાસો શરૂ કર્યા હતા, જે અંતર્ગત શહેરની મધ્યમાં આવેલ અને જર્જરિત થયેલ પદમાવતી શોપિંગ સેન્ટર દૂર કરવા માટે વેપારીઓએ સ્વયંભૂ શહેરના વિકાસમાં સહયોગ આપવા સંમતિ આપી છે. આમ શહેરની મધ્યમાં આવેલી ઐતિહાસિક ઈમારતોનો હેરિટેજ સ્કવેર બનાવવાનો રસ્તો ક્લિયર થયો છે અને પદમાવતી શોપિંગ સેન્ટરને દૂર કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે. આવતીકાલે મળનારી ભાજપની મોટી સંકલનમાં આ દરખાસ્ત સહિત વિવિધ કામો પર નિર્ણય કરાશે.

શહેરના સુરસાગર, ચાર દરવાજા, ન્યાયમંદિર વિસ્તારની આગવી ઓળખ હતી. ત્યારે હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃ પ્રાપ્ત થાય તે માટે તજ્‌જ્ઞો સાથે પરિસંવાદ તેમજ દંડક બાળકૃષ્ણ શુકલ અને તજ્‌જ્ઞોએ હેરિટેજ વૉક સાથે સમગ્ર પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. દરમિયાન ઐતિહાસિક સ્થળોમાં નડતરરૂપ અને જર્જરિત થયેલ પદમાવતી શોપિંગ સેન્ટરને દૂર કરવા સૂચનો થયાં હતાં અને પદમાવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે સંયુક્ત બેઠક યોજીને વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી આપવામાં આવી હતી.

બેઠકો અને ચર્ચા બાદ પદમાવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ સ્વયંભૂ શહેરના વિકાસમાં સહયોગ આપવા માટે સંમતિ આપી છે. ત્યારે વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ઈમારતોનો હેરિટેજ સ્કવેર બનાવવાનો રસ્તો ક્લિયર થયો છે. સ્થાયી સમિતિમાં પદમાવતી શોપિંગ સેન્ટરને દૂર કરવાની દરખાસ્ત રજૂ થઈ છે. આવતીકાલે મળનારી ભાજપની મોટી સંકલનની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે તેમ જાણવા મળે છે.

ન્યાયમંદિર-લાલકોર્ટ અને સુરસાગરનો ત્રિવેણી સંગમ ઝળહળી ઊઠશે

શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં સુવર્ણમઢિત શિવજીની પ્રતિમા છે તેના દર્શન થાય તેમજ અહીં લેસર શો થાય તેવું આયોજન ભવિષ્યમાં થનાર છે, તેની સાથે ન્યાયમંદિર અને લાલકોર્ટની ઈમારત અને સુરસાગરની વચ્ચે આવેલ પદમાવતી શોપિંગ સેન્ટરના સ્થળે ભવ્ય લેન્ડસ્કેપ ગાર્ડન અને વ્યૂઈંગ ડેક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાંથી સુરસાગર, ન્યાયમંદિર અને લાલકોર્ટ બેસીને જાેઈ શકાશે. આ ત્રણેયને માણવા માટે આખા વિસ્તારનો નવેસરથી પ્લાનિંગ કરીને ડેવલોપમેન્ટ કરવામાં આવશે.

મ્યુઝિક કોલેજ બહાર સંગીતની સુરાવલી રેલાશે

સુરસાગર તળાવ કાંઠે જ ઐતિહાસિક ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ આવેલી છે જ્યાંથી અનેક કલાકારો નીકળ્યા છે જે વડોદરા અને દેશ-વિદેશમાં વડોદરાનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે હેરિટેજ સ્કવેર અંતર્ગત મ્યુઝિક કોલેજની બહાર ગીત-સંગીતકારો સંગીતની સુરાવલીઓ રેલાવી શકે તેવું આયોજન પણ કરાયું હોવાનું જાણવા મળે છે.

ભાજપના એક નેતાને સિંધી સમાજ અને સિંધી વેપારીઓને ઉશ્કેરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો

ગઈકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠક પૂર્વે વધારાના કામ તરીકે પદમાવતી શોપિંગ સેન્ટરને દૂર કરવાની દરખાસ્ત આવી હતી પરંતુ ભાજપના એક નેતાએ ચંચુપાત કરીને એજન્ડામાંથી દરખાસ્ત દૂર કરાવીને સિંધી સમાજના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. એક તબક્કે સ્થાયી સમિતિના એક સભ્યે સિંધી સમાજ અને સિંધી સમાજના ધર્મગુરુને ફોન કરીને પૂછપરછ પણ કરી હતી. જાે કે, સિંધી સમાજના આગેવાનોએ એકીઅવાજે શહેરના વિકાસમાં સહયોગ આપવાનો સૂર વ્યક્ત કરતાં આખરે આવતીકાલે મળનારી બેઠકમાં એજન્ડા પર કામનો સમાવેશ કરાયો હતો.

દાંડિયાબજાર, જ્યુબિલીબાગથી ટ્રાફિકને નવી દિશા મળશે

વડોદરામાં હેરિટેજ સ્કવેરની કામગીરી અંતર્ગત પદમાવતી શોપિંગ સેન્ટરને દૂર કરી લેન્ડસ્કેપ ગાર્ડન, વ્યૂઈંગ ડેક સહિત આયોજનોની સાથે લોકો સરળતાથી આ વિસ્તારમાં ફરી શકે અને હેરિટેજ સ્કવેરને વડોદરા સહિત દેશ-વિદેશના ટુરિસ્ટ આવીને જાેઈ શકે તે માટે વિવિધ આયોજનોની સાથે દાંડિયા બજાર અને જ્યુબિલીબાગથી ટ્રાફિકને નવી દિશા મળશે તેમ જાણવા મળે છે.

જ્યુબિલીબાગમાં મલ્ટિસ્ટોરી પાર્કિંગ સ્લોટ ઊભો કરવા વિચારણા

શહેરની ઐતિહાસિક ઈમારતો અને સુરસાગર તળાવને સાંકળીને હેરિટેજ સ્કવેરની સાથે લોકોને વાહન પાર્કિંગ કરવાની સુવિધા સારી રીતે મળે તે માટે જ્યુબિલીગબાગમાં મલ્ટિસ્ટોરી પાર્કિંગ સ્લોટ ઊભો કરવા વિચારણા થઈ રહી હોવાનું જાણવા મળે છે.