ભરૂચ, તા.૯

ભરૂચ શહેર તથા જીલ્લામાં મંગળવારની સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.વરસાદ વરસતા ઠેર ઠેર લોકોને ઉનાળાની કાળઝાળ ગરમી માંથી રાહત મળવા સાથે ઠંડક પ્રસરી જવા પામી હતી. મૌસમના પહેલા વરસાદને જીલ્લાવાસીઓએ મનભરીને માણ્યો હતો.ખાસ કરીને નાના બાળકોને વરસાદમાં ન્હાવાની મોજ માણી હતી.વરસાદના આગમનના પગલે ખેડૂતોના ચહેરા પર સ્મિત રેલાયું હતું. તો માટીની મીઠી સોડમે લોકોને વરસાદની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. 

ભરૂચ શહેરમાં ચોમાસા પહેલાં પાલિકાએ કરેલી પ્રિમોનસુન કામગીરીના મોસમના પ્રથમ વરસાદમાં જ ધજાગરા ઉડી ગયાં હતાં. શહેરના સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને કલેકટર કચેરીપાસે આવેલાં અંડરપાસ, બજારોવાળા વિસ્તારો તથા મુખ્યમાર્ગો પર જ પાણીનો ભરાવો થતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપરની ખુલ્લી ગટરો માં વાહનચાલકો ખાબકે નહિ તે માટે સાવચેતીના ભાગરૂપે લાકડીઓ ઊભી કરી સાવચેત કરાયા હતા. ભરૂચ શહેરમાં મંગળવારના સામાન્ય વરસાદમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અડધું ભરૂચ પૂનઃ વીજળી વિના લોકોની હાલત કફોડી બની હતી.