રાજપીપળા : આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રોવાળા રબારી, ભરવાડ અને ચારણ સમાજના આગેવાનો, તેઓના વિસ્તારના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ રાજ્ય સરકાર તથા ભારત સરકારમાં ભારે દબાણ લાવી રહ્યા છે.એની સામે આદિવાસીઓના મતોથી રાજકીય લાભ લેનારાઓ મૌન કેમ છે.એ પ્રશ્ન ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઉઠાવ્યો છે.

એક તરફ આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજપીપળા નજીક જીતનગર ખાતે રાજ્ય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવાની છે તો બીજી બાજુ મનસુખ વસાવાએ આદિવાસીઓ અંગેનો પ્રશ્ન ઉઠાવતાં ખળભળાટ મચ્યો છે.મનસુખ વસાવાએ જણાવ્યું કે ૧૯૬૫ થી ગીર બરડા, આલેચમાં વસતા રબારી, ભરવાડ અને ચારણ જાતિને આદિવાસી ગણવામાં આવતા આદિવાસીઓના તમામ લાભ મળતા થયા.સમયની સાથે વધુ લાભ લેવા માટે ખોટા આદિજાતિના પ્રમાણપત્રો નેતાઓના સહકારથી મેળવવા લાગ્યા. હજારોની સંખ્યામાં એસ.ટી. કોટાના લાભ ખોટા પ્રમાણપત્રોવાળા લેવા લાગ્યા હતા.

તેના કારણે સાચા આદિવાસીઓ શિક્ષણ ક્ષેત્રે પાછળ છે અને મેરીટમાં પણ સાચા આદિવાસીઓનું મેરીટ ખૂબ નીચુ આવે છે, જેના કારણે એસ.ટી. કોટાનો લાભ ખોટા લોકો મેળવી રહ્યા છે.તેથી સાચા આદિવાસીઓ તથા શિક્ષિત બેરોજગારોની સાથે ભયંકર અન્યાય થઇ રહ્યો છે.

ખોટા પ્રમાણપત્રોવાળા રબારી, ભરવાડ અને ચારણ સમાજના આગેવાનો, તેઓના વિસ્તારના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ રાજ્ય સરકાર તથા ભારત સરકારમાં ભારે દબાણ લાવી રહ્યા છે અને સંમેલનો અને ગ્રુપ મિટિંગો કરવાનું ચાલુ કરી દીધું છે અને આદિવાસીઓના બંધારણીય અધિકાર ઉપર એક પ્રકારે તરાપ મારી રહ્યા છે.

રબારી, ભરવાડ તથા ચારણ સમાજ આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ અને જાગૃત સમાજ છે, સંગઠિત છે અને રાજકીય આગેવાનો તેઓને ખુલ્લેઆમ મદદ કરી રહ્યા છે અને આપણા આદિવાસી સમાજના આગેવાનો, જન પ્રતિનિધિઓ તથા આદિવાસીઓના મતોથી રાજકીય લાભ લેનારાઓ આજે પણ મૌન છે.

આમંત્રણ પત્રિકામાંથી મનસુખ વસાવાનું નામ ગાયબ!

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આવતીકાલે નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક જીતનગર પોલીસ હેડ કવાટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ તથા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત યોજાશે.આ કાર્યક્રમની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે.પણ આ તમામની વચ્ચે વિશ્વ આદીવાસી દિવસની આમંત્રણ પત્રિકા માંથી ભાજપ સાંસદ મનસુખ વસાવાનું નામ ગાયબ થઈ જતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવા પણ ઉપસ્થિત રહેવાના હોય ત્યારે હમેશા લોકોના પ્રશ્નો અને ખાસ કરીને આદિવાસીઓના પ્રશ્નો માટે અવાજ ઉઠાવનાર ફાયરબ્રાન્ડ સાંસદ મનસુખ વસાવાનું જ નામ આમંત્રણ પત્રિકા માંથી ગાયબ થતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. આ સાથે સ્થાનિક ભાજપ સાંસદ ગીતાબેન રાઠવા, ગુજરાત સરકારના પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ હર્ષદ વસાવાનું નામ આમંત્રણ પત્રિકામાં ન દેખાતા ભાજપ કાર્યકરોમાં જ કુતુહલ સર્જાયું છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જ અગાઉ આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટનો મુદ્દો ઉઠાવ્યો હતો.જ્યારે હાલમા જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનો ચિતાર રજૂ કરતો એક સણ સણતો પત્ર એમણે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પણ લખ્યો હતો. અગાઉ પણ એમણે લોકહીતના અનેક પ્રશ્નો મુદ્દે સરકારના મંત્રીઓને આડેહાથે લીધા હતા.સરકારના કાર્યક્રમમાં કોઈ ભૂલ તો ન જ હોઈ શકે ત્યારે રાજ્ય કક્ષાનો આદિવાદીઓનો જ સરકારી કાર્યક્રમ હોય અને એની આમંત્રણ પત્રિકા માંથી સ્થાનિક આદીવાસી નેતાઓનું નામ જ ગાયબ હોય એ ખરેખર આશ્ચર્ય પમાડે એવું છે.