શારજાહ

યૂનિવર્સ ક્રિસ ગેલની ટીમમાં વાપસીની સાથે કિંગ્સ ઇલેવન પંજાબને ટૂર્નામેન્ટમાં બીજો વિજય મળ્યો છે. આજે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની 31મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 8 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી છે. પંજાબને આઠ મેચમાં આ બીજી જીત મળી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટે 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી અંતિમ બોલ પર વિજય મેળવ્યો હતો. પંજાબને છેલ્લી ઓવરમાં જીત માટે બે રનની જરૂર હતી. પરંતુ પહેલા પાંચ બોલમાં એક રન પડ્યો અને ગેલ રનઆઉટ થયો હતો. છેલ્લા બોલે નિકોલસ પૂરને છગ્ગો ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો.  

કિંગ્સ ઇલેવન પંજાબને મયંક અગ્રવાલ અને કેએલ રાહુલે ફરી મજબૂત શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 56 રન જોડ્યા હતા. બેંગલોરને પ્રથમ સફળતા 78 રન પર મળી હતી. મયંક અગ્રવાલ (45)ને યુજવેન્દ્ર ચહલે બોલ્ડ કર્યો હતો. મયંક અગ્રવાલે 25 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

પંજાબે પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ત્રીજા ક્રમે બેટિંગ કરતા આ સીઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલ ક્રિસ ગેલ આવ્યો હતો. આ બંન્ને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી પંજાબનો વિજય નિશ્ચિત કર્યો હતો. ક્રિસ ગેલે 45 બોલનો સામનો કરતા 5 છગ્ગા અને એક ચોગ્ગા સાથે 53 રન બનાવ્યા હતા. તે અંતિમ ઓવરમાં રનઆઉટ થયો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને દેવદત્ત પડીક્કલ અને આરોન ફિન્ચ સારી શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 38 રન જોડ્યા હતા. દેવદત્ત પડીક્કલ (18)ને અર્શદીપ સિંહે આઉટ કરીને પંજાબને પ્રથમ સફળતા અપાવી હતી. બેંગલોરની ટીમે પાવરપ્લેમાં 1 વિકેટ ગુમાવી 57 રન જોડ્યા હતા. ટીમને બીજો ઝટકો આરોન ફિન્ચ (20)ના રૂપમાં લાગ્યો હતો. તેને મુરૂગન અશ્વિને બોલ્ડ કર્યો હતો. ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલ વોશિંગટન સુંદર (13)ને પણ એમ અશ્વિને આઉટ કર્યો હતો.