જયપુર-

રાજસ્થાન કોંગ્રેસમાં સંકટ મોચકની ભૂમિકા અદા કરવાના બદલામાં હાઈકમાન્ડે પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકનને રાજસ્થાન મહાસચિવ પ્રભારી બનાવ્યા છે.સચિન પાયલટની બળવાખોરી પછી રાજસ્થાન કોંગ્રેસમાં 35 દિવસો સુધી ચાલેલી રાજકીય ખેંચતાણમાં માકન ગેહલોત કેમ્પમાં હાઈકમાન્ડના પ્રતિનિધિ તરીકે ફ્રન્ટ સીટ પર રહ્યા હતા. આ પહેલા તેઓ રાજ્યસભા ચૂંટણી દરમિયાન થયેલી વાડાબંધીમાં પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે મોડી સાંજે અજય માકનને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી જનરલ સેક્રેટરી બનાવવાની જાહેરાત કરી હતી. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના જણાવ્યા પ્રમાણે, માકન અવિનાશ પાંડેનું સ્થાન લેશે. કોંગ્રેસે ૩ મેમ્બર્સની કમિટિની રચના કરી છે. કમિટિમાં સીનિયર પાર્ટી લીડર અહેમદ પટેલ, કેસી વેણુગોપાલ અને અજય માકન સામેલ છે. કમિટિ રાજસ્થાનમાં હાલના મુદ્દાઓને જાેશે અને તેનું નિરાકરણ શોધશે.