વડોદરા, તા. ૨૮

સમગ્ર દેશના વિવિધ વિભાગોનું ખાનગી કરણ થઈ રહ્યુ છે ત્યારે આ નિતીનો આકરાં સ્વરુપે વિરોધ કરવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીમાં બેંક , પોસ્ટ ઓફિસ વિભાગ , રેલ્વે સહિતના અન્ય વિભાગો આ રેલીમાં જાેડાઈને સમર્થન આપ્યુ હતું. બહોળી સંખ્યામાં જાેડાયેલા કર્મચારીઓ દ્વારા ગાંધીનગર ગૃહ , ફતેગંજ પોસ્ટ ઓફિસ , રાવપુરા ખાતે તેમજ કલેકટર કચેરીની બહાર દેખાવો કરીને ભારત બંધનું એલાન જાહેર કર્યુ હતું. તે સિવાય તેમની પડતર માંગણીઓ સંતોષવા માટે કલેકટરને આવેદન પત્ર પણ આપ્યું હતું.આ રાષ્ટ્રીય વ્યાપી લડતમાં વિવિધ રાષ્ટ્રીય કૃત બેંકોના કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યોે હતો. બેંકોને પણ કરોડો રુપિયાનું નુકશાન સહન કરવું પડ્યુ હતું.

રાષ્ટ્રીયકૃત બેંકો અને પોસ્ટલ વિભાગના ખાનગીકરણ કરવાના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયન ફોરમ દ્વારા બે દિવસીય હડતાલની જાહેરાત કરીને ભારત બંધનું એલાન કરવામાં આવ્યુ છે. આ દેશ વ્યાપી હડતાલને સફળ બનાવવા માટે વિવિધ સંગઠનો પૈકી વેસ્ટર્ન રેલ્વે એમ્પલોઈઝ સંગઠન , ઈન્કમ ટેક્ષ વિભાગ , ઈન્સ્યોરન્સ વિભાગ સહિતના અન્ય સંગઠનોએ સમર્થન આપીને ચેમની પડતર માંગણીઓ સંતોષવા તેમજ ખાનગીકરણ અટકાવવા માટે વિશાળ રેલીનું આયોજન કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. અને કલેકટરને આવેદન પત્ર પણ આપ્યુ હતું.પોસ્ટ વિભાગ દ્વારા ફતેગંજ પોસ્ટ ઓફિસ અને રાવપુરા જીપીઓ ખાતે પોસ્ટર દ્વારા દેખાવો કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં હતા. રેલ્વે વિભાગના વિવિધ યુનિયનો દ્વારા પણ પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતેથી રેલી યોજીને પડતર પ્રશ્નો સંતોષવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.

રેલવે વિભાગના કર્મચારીઓ દ્વારા પણ દેખાવો કરાયા

રેલ્વે વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓ પૈકી નવી પેન્શન યોજના હટાવી ખાતરીદાયક જૂની પેન્શન યોજના ને ફરી અમલી કરવી , રેલ્વેમાં ખાનગીકરણ બંધ કરો , નાઈટ અલાઉન્સ પાછુ ચાલુ કરવું , ગ્રેડ પેમાં વધારો , સિગ્નલ અને ટેલીકોમ વિભાગ નાં સિનીયર ટેકનીસીયન ના પરસેન્ટેજ ૨૭% થી વધારી ૩૮% કરવો , રિસ્ક એન્ડ હાર્ડ શીપ એલાઉન્સ આપવા જેવી પડતર માંગણીઓ સંતોષવા માટે પ્રતાપનગર ખાતેથી વિશાળ રેલી યોજીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.