ભરૂચ ગુજરાતમાં જ્યારે કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે ત્યારે કોરોના ગ્રસ્ત લોકો અને તેમના પરિવારજનોના માથે જાણે આભ ફાટ્યો હોય તેવા અનુભવ થાય છે. એક તરફ ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, આવકમાં ઘટાડો થયો હોય તેવા સમયે ઘરમાં કોઈ સભ્ય કોરોના સંક્રમિત થયું હોય ત્યારે પરિવારજનોની માનસિક અને આર્થિક પરિસ્થિતિ દયનીય થઈ જાય છે.

કેટલાય પરિવારોમાં એકથી વધુ લોકોને જ્યારે કોરોના સંક્રમણ થાય છે ત્યારે લોકો ભયભીત થઈ જાય છે. ગતવર્ષે કોરોનાકાળ દરમિયાન ૨૫.૦૭.૨૦૨૦ ના રોજ સરકારે લેબોરેટરી ટેસ્ટ, દવાખાનાની ટ્રીટમેન્ટમાં થતાં ખર્ચના ભાવપત્રક જાહેર કર્યા હતા. ત્યારે આ વર્ષે કોરોના પહેલા કરતા વધુ વકર્યો છે ત્યારે સરકાર પોતાના હાથ પાછા ખેંચી રહી હોય તેમ લાગી રહ્યું છે. સરકારે આ વખતે પણ નવા ભાવપત્રક જાહેર કરી ખાનગી લેબોરેટરી અને દવાખાનામાં થતી ઉઘાડી લૂંટ અટકાવી શકાય છે. ચાલી રહેલી મહામારીના સમયે કેટલાક અસામાજિક તત્વો કોરોના દર્દીઓ અને તેમના પરિવારોને લૂંટવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, ભરૂચના વિધ્યાપ્રકાશ મિશ્રા તેમજ સહયોગી સેજલ દેસાઈએ ગતરોજ ગુજરાત આરોગ્ય મંત્રી અને સચિવને લેખિતમાં અરજી કરી હતી. જેમાં સરકાર અને જિલ્લા તંત્ર આવા સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નક્કી કરેલ ટોકન એટલે કે જૂજ સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે ગરીબ લાચાર લોકો કોરોના ટેસ્ટ કરાવવા ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવવા રૂપિયા ખર્ચ કરવા મજબૂર બન્યા છે. ત્યારે સરકારને આ બાબતે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં નિષ્ક્રિયતા દાખવી આંખ આડા કાન કરી કોઈપણ જાતની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી.