ડાકોર, તા.૨૨ 

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ - ડાકોર ખાતે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના વતની અને હાલ સુરત ખાતે રહેતા કાન્તીભાઇ ચલાળીયા (દરજી) અને તેમના પરિવારે કોરોના મહામારીમાં લોકડાઉન દરમ્યાન ડરામણા માહોલમાં ગોમતીઘાટ પર રહેતા ભિક્ષુકો, સાધુ-સંતોને બે ટાઇમ ચોખ્ખા ધીનું સાત્વીક ભોજન આપીને છેલ્લાં ૧ર વર્ષથી ચાલતો તેમનો સેવાયજ્ઞ અવિરત ચાલુ રાખ્યો હતો.

 કાંતિભાઇ દરજી અને તેમના પરિવાર દ્વારા છેલ્લાં ૧ર વર્ષથી ૨૦૦ જેટલાં ભિક્ષુકો તથા સાધુ-સંતો યાત્રાધામ ડાકોર ખાતે શુદ્ધ ધીની સાત્વીક રસોઈ પીરસવામાં આવે છે. તેમનાં આ માનવતાભર્યા કાર્યમાં તેમનો સુપુત્ર હિમાચલભાઇ અને સમગ્ર પરિવાર ભોજન નો ટુકડો ત્યાં હરિ ધુકડો ને યથાર્થ કરવા મદદ કરી રહ્યો છે .

કોરોના મહામારી દરમિયાન ભિક્ષુકો, સાધુ-સંતો ભૂખ્યાં ન રહે તે માટે કાંતિભાઇ દરજીના પરિવારે કરિયાણાનો પુરવઠો પૂરો પાડીને તેમનો સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો. દરજી પરિવારની આ પ્રવૃતિ ને ભિક્ષુકો, સાધુ-સંતો એ બિરદાવી હતી. દંડી સ્વામી આશ્રમના મહંત પ.પૂ. વિજયદાસજી મહારાજે પણ કાંતિભાઇ દરજીના સેવાયજ્ઞને બિરદાવ્યો હતો.