મુંબઈ-

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે 2021ની આગામી વિધાનસભા ચૂંટણીઓના પરિણામ વિશે ભવિષ્યવાણી કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ રવિવારે દાવો કર્યો કે અસમને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી ચારેય રાજ્યોમાં ચૂંટણી હારશે. તેમણે કહ્યું કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામથી દેશને એક નવી દિશા મળશે. મહારાષ્ટ્રના બારામતી શહેરમાં પત્રકારો સાથે વાતચીતમાં પવારે કહ્યું હતું કે ભાજપ પોતાની રાજકીય તાકાતનો બંગાળમાં દુરુપયોગ કરી રહ્યું છે.

પવારની 'રાજકીય ભવિષ્યવાણી'

આગામી વિધાનસભાની ચૂંટણીઓ બાબતે પવાર વાત કરી રહ્યા હતા. પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માર્ચ-એપ્રિલમાં થવાની છે. જ્યારે મતગણતરી 2જી મેના રોજ થશે. તેમણે કહ્યું કે 5 રાજ્યોના ચૂંટણી પરિણામ અંગે આજે વાત કરવું ખોટું છે. કારણ કે જનતા આ વખતે નિર્ણય કરશે. કેરળમાં ડાબેરી પક્ષો અને એનસીપી એક સાથે છે અને અમને ભરોસો છે કે અમને સ્પષ્ટ બહુમત મળશે. પૂર્વ કેન્દ્રીય મંત્રીના જણાવ્યાં મુજબ તમિલનાડુમાં લોકો દ્રમુક ડીએમકેના ચીફ એમ કે સ્ટલિનનું સમર્થન કરશે. તેમણે આવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ જ પક્ષ રાજ્યમાં સરકાર પણ બનાવશે.