કાબુલ-

અફઘાનિસ્તાનમાં પૂરઝડપે તાલિબાન સત્તા મેળવી રહ્યું છે. આ વચ્ચે કાબુલને ચોતરફથી ઘેરી લીધા બાદ તાલિબાને સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણ માટે તૈયારી દર્શાવી હતી અને તેના માટે રાષ્ટ્રપતિના નિવાસસ્થાને જવાની તૈયારીઓ શરૂ કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધું હોવાની વાત સામે આવી રહી છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા કાબુલમાં અમેરિકન એમ્બેસીના કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢવા માટે હેલિકોપ્ટર પણ મોકલાયા હોવાનું જાણવા મળ્યું છે. તાલિબાને જલાલાબાદ પર કબજો સંભાળ્યો તેના થોડા જ સમયમાં કાબુલમાં અમેરિકન એમ્બેસી ખાતે હેલિકોપ્ટર ઉતરતા જોવા મળ્યા હતા. આ સિવાય એમ્બેસીમાંથી ધુમાડો નિકળતો પણ જોવા મળ્યો હતો. જે એમ્બેસીમાં સંવેદનશીલ દસ્તાવેજો સળગાવવાના કારણે નિકળતો હોવાનું અમેરિકન સૈન્યના અધિકારીઓએ જણાવ્યું હતું. અફઘાનિસ્તાનમાં અસ્થિરતા વધતી જઈ રહી છે. તાજેતરમાં જ તાલિબાનના પ્રવક્તાઓ સત્તાના હસ્તાંતરણ માટે રાષ્ટ્રપતિના નિવાસસ્થાને જઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ વચ્ચે દેશના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યું હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત કાબુલમાં અમેરિકન એમ્બેસીમાં કર્મચારીઓને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર પહોંચ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.