વડોદરા, તા.૧૬

ભરઉનાળાની શરૂઆતની સાથે એકાએક હવામાનમાં પલટો આવતાં શહેરીજનોને ભરઉનાળે ફાગણની ફોરમને બદલે અષાઢી માહોલનો અહેસાસ થઈ રહ્યો છે. ગત મોડી રાત્રે ગાજવીજ અને આકાશમાં વીજળીના કડાકાભડાકા સાથે વાવાઝોડા સાથે શહેર-જિલ્લામાં વરસાદ તૂટી પડયો હતો. વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી શહેરના કેટલાક ઠેકાણે નાના મોટા વૃક્ષો અને હોર્ડિંગ્સો, સ્કૂલની સામે બનાવવામાં આવેલ તંબુઓ ધરાશાયી થયાં હતાં. હાલમાં ચાલી રહેલી ધો.૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષામાં પરીક્ષાર્થીઓના વાલીને બેસવા માટે સ્કૂલોની સામે ઊભા કરવામાં આવેલા તંબુઓ પણ વાવાઝોડામાં ઊડી ગયા હતા. જાે કે, રાત્રિના સમયે મેઘતાંડવ રચાતાં કોઈ જાનહાનિ કે નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

રાજ્યભરમાં ઉનાળાના આરંભે જ કમોસમી માહોલ સર્જાયો છે. ભરઉનાળે જ ફાગણની ફોરમને બદલે અષાઢીનો માહોલ સર્જાતાં ચોમાસા જેવું જ વાદળછાયું વાતાવરણ સાથે વિવિધ વિસ્તારોમાં માવઠું થતાં ખેડૂતોના કાપણી થયેલા અને ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર-મધ્ય ગુજરાત સહિત વડોદરા શહેર-જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. ઉત્તર ગુજરાત અને અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું.

સમગ્ર રાજ્ય સહિત શહેરમાં આવેલા એકાએક હવામાન પલટા અંગે હવામાન વિભાગના નિષ્ણાતોના મતઅનુસાર અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ગુજરાત નજીક સરકયુલેટ થઈ રહ્યો હોવાથી તેમજ ગરમીના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હાલ રાજ્યના વાતાવરણમાં અવારનવાર પલટો આવી રહ્યો છે, જેની માઠી અસર વડોદરા શહેરમાં પણ વર્તાતાં ગત મોડી સાંજે દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યા બાદ અચાનક જાેરદાર પવન ફૂંકાતાં વાવાઝોડું ફૂંકાયું હતું. એટલું જ નહીં, આકાશમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે ભરઉનાળામાં કમોસમી વરસાદને પગલે શહેરીજનોને અષાઢી માહોલનો અનુભવ થયો હતો.

બીજી તરફ શહેરમાં જાેરદાર પવનની ગતિ સાથે ફૂંકાયેલા વાવાઝોડાને પગલે કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલથી આગળ અર્થયુરિયા સાઈટ પાસે ફતેગંજ ઈએમઈ સર્કલ પાસે સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં નાના મોટા વૃક્ષો, હોર્ડિંગ્સો અને પરીક્ષાર્થીઓના વાલીઓ માટે બનાવવામાં આવેલ સ્કૂલોની સામે તંબુઓ ધરાશાયી થઈ ગયાં હતાં. વૃક્ષો ધરાશાયી થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ એલર્ટ મોડ પર આવી ગયો હતો. જાે કે, આ બનાવો મોડી રાત્રે બનતાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.