રાજકોટ-

રાજકોટમાં હાલ રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને પોલીસ દ્વારા કરફ્યૂનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. શહેરના તમામ ચોક અને રસ્તાઓ પર રાત્રી દરમિયાન પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ચેકીંગ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ધવા ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયા હતા. જે મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી. રાજકોટની પદ્યુમ્નનગર પોલીસ ગઈકાલે પેટ્રોલીંગમા હતી તે દરમિયાન એરપોર્ટ ફાટક નજીકથી ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ધવા કાર સાથે નીકળ્યા હતા ત્યારે પોલીસે દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જે દરમિયાન તેની કારમાંથી ગેરકાયદેસર દેશી બનાવટી પિસ્ટલ અને 5 જેટલા કાર્ટીઝ મળી આવ્યા હતા. જેને લઈને પદ્યુમ્નનગર પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે કાર કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે. પોલીસે ગેરકાયદેસર હથિયાર અને કાર્ટીઝ સાથે અટકાયત કરેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ધવા રાત્રી દરમિયાન નશાની હલતમા હોવાની શંકા વ્યક્ત કરાઇ હતી. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કોર્પોરેટર સંજય ધવા વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયા હતા.