ન્યૂ દિલ્હી

ભારતના લોંગ જમ્પ એથ્લેટ મુરલી શ્રીશંકરે ફેડરેશન કપમાં અદભૂત કૂદકા સાથે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. તેણે મંગળવારે પટિયાલામાં ચાલી રહેલી ફેડરેશન કપ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ૮.૨૬ મીટર કૂદકો લગાવ્યો અને ટોક્યો ઓલિમ્પિક્સમાં પોતાનું સ્થાન મેળવ્યું. શ્રીશંકરે પાંચમા પ્રયાસમાં પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો અને ૮.૨૨ મીટરનો આંકડો પાર કરી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું. શ્રીશંકરનો જુનો રાષ્ટ્રીય રેકોર્ડ ૮.૨૦ મીટર હતો.

કેરળના પલક્કડનો ૨૧ વર્ષિય રમતવીર છેલ્લા કેટલાક સમયથી ઉત્કૃષ્ટ ફોર્મમાં હતો. તેણે ફેબ્રુઆરીમાં યોજાયેલા ભારતીય ગ્રાન્ડ પ્રિકસમાં ચોથી વખત આઠ મીટરથી વધુ કૂદકો લગાવ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.