મહુધા, તા.૧૮  

મહુધાના ખલાડી ગામના રહેવાસી દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખીત રજૂઆત કરી આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગત મહિને મહુધા ખાતે કરવામાં આવેલી જીઆરડીની ભરતી પ્રક્રિયામાં પૈસા આપનાર અરજદારોની જ ભરતી કરવામાં આવી છે. આવાં આક્ષેપ પછી ખળભળાટ મચી ગયો છે.

મહુધા પોલીસ વિભાગમાં ૧૫ પુરુષ અને ૫ મહિલા ગ્રામરક્ષકની ભરતી કરવા માટે જૂન માસમાં ૧થી ૫ તારીખ દરમિયાન અરજીઓ મગાવવામાં આવી હતી, જેમાં ફક્ત ૨૦ જીઆરડીની ભરતી સામે ૩૮ લાભાર્થીઓએ અરજી કરી હતી. ખલાડી ગામના દીપક સોલંકીએ ભરતી પ્રક્રિયા અંગે ખાયકીનો ખેલ થયો હોવાનો આક્ષેપ કરતાં જિલ્લા પોલીસ વડાને લેખીતમાં અરજી કરી છે. તેઓએ એવો ઉલ્લેખ કર્યો હતો કે, મહુધા પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડી જમાદાર દ્વારા ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમનાં જેવાં તમામ જીઆરડી ભરતી પાત્ર બેરોજગાર પાસે રોકડ વ્યવહારની માગણી કરવામાં આવી હતી. જાેકે, વ્યવહાર આપવાની ના પાડતાં અન્ય બીજા અરજદારોની ભરતી કરવામાં આવી હતી. જેને લઇ દીપકભાઇ સોલંકીએ ખેડા જિલ્લા પોલીસ વડાને લેખીત રજૂઆત કરી આ મામલે તપાસ કરી શિક્ષાત્મક પગલાંની માગણી કરી હતી.

આ અંગે જીઆરડી જમાદાર અને કોન્સ્ટેબલ બાબુભાઇ છગનભાઇ સોઢાએ જણાવ્યું હતું કે, અરજદારે સમય મર્યાદા બાદ ૯ જૂનના રોજ અરજી આપી હતી. અરજીમાં માગવામાં આવેલાં પૂરાવા પણ પૂરતાં ન હતાં. ભરતી પ્રક્રિયા પારદર્શક કરવામાં આવી છે. રોકડ વ્યવહારના તેઓના આક્ષેપ ખોટાં છે.