દિલ્હી-

દિલ્હી રમખાણોના આરોપી દેવાંગના કલિતા, નતાશા નરવાલ અને આસિફ ઇકબાલને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે આરોપીઓને નોટિસ ફટકારી છે. નોટિસ મુજબ આરોપીને ચાર અઠવાડિયામાં જવાબ આપવો પડશે. વળી સુપ્રીમ કોર્ટે જામીન અંગેના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં યુએપીએની જોગવાઈઓ અંગે હાઇકોર્ટે કરેલી ટિપ્પણીની અસર આખા દેશમાં થવાની છે. તેથી અમે પહેલા તેના પર નોટિસ ફટકારીશું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે દિલ્હી પોલીસ દ્વારા અપાયેલી દલીલોથી સંમત છે અને આ મામલે હાઇકોર્ટના નિર્ણય પર ઘણા સવાલો ઉભા થાય છે. અમે દિલ્હી પોલીસની અરજી પર નોટિસ આપી રહ્યા છીએ. આ મામલાની સુનાવણી 19 જુલાઇએ થશે. 

સોલિસિટર જનરલની સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂઆત

સોલિસિટર જનરલે આરોપીઓ સામેના આક્ષેપોને ગંભીર ગણાવ્યા અને કહ્યું કે, “દિલ્હી હાઈકોર્ટે યુએપીએની ગંભીરતા ધ્યાનમાં લીધી ન હોય. દિલ્હીના રમખાણોમાં 53 લોકો માર્યા ગયા હોવાનું પણ કહ્યું હતું. આ સિવાય 700 થી વધુ લોકો ઘાયલ થયા છે. આરોપીઓ પર કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે.”સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, જે રમખાણોમાં ઘણા લોકો માર્યા ગયા હતા તેમાં હાઇકોર્ટનું અવલોકન દુર્ભાગ્યપૂર્ણ છે. તેથી હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે મુકવો જોઇએ.

બીજી તરફ, દિલ્હી પોલીસ વતી એસ.જી.મહેતાએ કહ્યું હતું કે, હાઇકોર્ટે કરેલી ટિપ્પણી ખૂબ ગંભીર છે અને સુપ્રીમ કોર્ટે તાત્કાલિક હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવો જોઇએ. કપિલ સિબ્બલ આરોપી વતી હાજર થયા હતા અને હાઈકોર્ટના આદેશને સ્થગિત નહીં કરવાની માંગ કરી હતી. 

શું છે સમગ્ર મામલો

દિલ્હી હુલ્લડના ત્રણેય આરોપીઓને મંગળવારે દિલ્હી હાઈકોર્ટે જામીન આપી દીધા હતા, પરંતુ તેમના છૂટા થયા પહેલા દિલ્હી પોલીસે આ જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. જેની સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે આરોપીના જામીનના નિર્ણય પર સ્ટે આપવા ઇનકાર કર્યો હતો.