અમદાવાદ-

સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા, આજે ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ સણસણતો આક્ષેપ કરવામાં આવ્યાં છે. મહિલા કોર્પોરેટર દ્વારા જણાવાયું હતું કે," કામરેજના ધારાસભ્ય દ્વારા તેઓને ભાજપમા જોડાવવા માટે રૂપિયા 3 કરોડ ની ઓફર કરવામાં આવી હતી. જો કે, તેઓએ આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા, તેઓના પતિને લાલચ આપીને ભાજપમા જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, કામરેજના ધારાસભ્ય હાલ વી ડી ઝાલાવાડીયા છે. હવે આ મહિલા કોર્પોરેટર દ્વારા, ભારતીય જનતા પાર્ટી અને કામરેજ ના ધારાસભ્ય વિરૂદ્ધ પક્ષ-પલ્ટા માટે કરવામાં આવી રહેલા દબાણ સંદર્ભે આક્ષેપો કરવામાં આવતાં રાજકીય હોબાળો મચી જવા પામ્યો છે.