નડિયાદ : કપડવંજ તાલુકાના નિરમાલી ગામની પ્રાથમિક શાળાનો લંપટ શિક્ષક મહેશ શિવાભાઈ પટેલ ૧૪ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ કરીને એક મહિનાથી વધુ સમયથી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો. પોલીસ પણ હાથ પર હાથ દઈને બેઠી હતી. આ મામલે નીડર અને નિષ્પક્ષ લોકસત્તા જનસત્તા દ્વારા સતત ત્રણ દિવસ સુધી અહેવાલો પ્રસિદ્ધ કરતાં આખરે આરોપી શિક્ષક પોલીસની શરણમાં આવી ગયો હતો. હજુપણ નિષ્ક્રિય જેવી સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલો ઊઠી રહ્યાં છે. કપડવંજ તાલુકાના નિરમાલી ગામની સગીરાને પોતાના ખેતરમાં લઈને જબરજસ્તીથી દુષ્કર્મ આચરનારે લંપટ પ્રાથમિક શિક્ષક મહેશ પટેલ વિરુદ્ધ કપડવંજ રૂરલ પોલીસ મથકમાં આશરે દોઢ મહિના અગાઉ ગુનો નોંધવામાં આવ્યો હતો. જાેકે, સ્થાનિક પોલીસને અત્યાચારનો ભોગ બનેલી સગીરાને બદલે આરોપી શિક્ષકને નિર્દોષ સાબિત કરવામાં વધુ રસ હોય તેમ મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આરોપી શિક્ષકને ઝડપી લેવાં કોઈ નક્કર પ્રયાસ કર્યા હોવાનું જાેવા મળ્યું ન હતું. આ મુદ્દો નીડર લોકસત્તા જનસત્તાના ધ્યાને આવતાં તેને સતત ત્રણ દિવસ સુધી ઊઠાવ્યો હતો. પરિણામે ખેડા જિલ્લા અને કપડવંજ તાલુકા ઠાકોર સેના દ્વારા આવેદન પત્ર આપીને ૭૨ કલાકમાં આરોપી શિક્ષકને ઝડપી લેવામાં નહિ આવે તો ગુજરાતભરમાં દેખાવો કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશન સામે ઉપવાસ આંદોલનની ચીમકી આપી હતી. આખરે આરોપીને છાવરતી પોલીસે શિક્ષકને હાજર થઈ જવા ફરમાન કરી દીધું હોવાની વાસ્તવિકતા બહાર આવી રહી છે. આજે સાંજના સમયે સગીરા દુષ્કર્મનો આરોપી શિક્ષક પોલીસ શરણમાં આવી ગયો હતો અને પોલીસે તેની અટક બતાવીને કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલી આપેલ હોવાનું જાણવા મળેલ છે. 

ખાખીની સાથે સાથે કેટલાંક મોટાં માથાઓ દ્વારા સગીરા અને તેનાં પરિવારને દબાણ કરાયું

ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ અધિકારી દ્વારા દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા અને તેનાં પરિવારને લાલચ અને ધમકી આપવાની સાથે સાથે કેટલાંક કહેવાતાં આગેવાનો પણ સગીરા અને તેનાં પરિવારને સમજાવીને કેસ પાછો ખેંચી લેવાના પ્રયાસો કરી રહ્યાં હતાં. જાેકે, લોકસત્તા જનસત્તાની નીડરતાં સામે તેઓ નિષ્ફળ રહ્યાં હતાં.

દોઢ મહિનાથી ફરાર આરોપી શિક્ષકને પોલીસ પકડી ન શકી ઃ આરોપી જાતે હજાર થતાં અનેક તર્કવિતર્કો

કપડવંજ તાલુકાની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પ્રાથમિક શિક્ષક મહેશ શિવાભાઈ પટેલને અચાનક બ્રહ્મ જ્ઞાન થયું હોય તેમ આશરે દોઢ મહિના પછી પોલીસની શરણ લીધી હતી. આટલાં સમય સુધી ખાખી આરોપી શિક્ષકને પકડવામાં નિષ્ફળ રહી અને હવે શિક્ષક જાતે જ હજાર થઈ જતાં ખાખીની શાખ પણ દાવ ઉપર લાગી ગઈ છે. આ સમગ્ર મામલામાં મોટાપાયે કંઇક રંધાયું હોવાની વાતો સમગ્ર જિલ્લામાં થઈ રહી છે.

ઠાકોર સેનાના અલ્ટિમેટમની અસર થઈ

સગીરા ઉપર દુષ્કર્મ કરીને ભાગી છૂટેલાં આરોપી શિક્ષકને બચાવી લેવા ખાખી સહિત અનેક માથાઓ પડ્યાં હતાં. જાેકે, ઠાકોર સેના સમાજની દીકરી ઉપર થયેલાં અત્યાચાર મામલે મેદાનમાં આવતાં આરોપી શિક્ષકને પોલીસ શરણમાં આવવાની ફરજ પડી હતી. આખા ગુજરાતમાં દેખાવો કરવાની સાથે ઉપવાસ આંદોલનની ચીમકીને પગલે પોલીસ અને આરોપી બધાની શાન જાણે કે ઠેકાણે આવી ગઈ હોય એવી હાલત સર્જવા પામી છે.

આરોપી શિક્ષકને પોલીસ મથકમાં ક્વોરન્ટીન કરાયો ઃ રૂરલ પીઆઇ

કપડવંજ રૂરલ પીઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપી શિક્ષક મહેશ શિવાભાઈ પટેલ જાતે જ સાંજે ૪ વાગ્યે હાજર થયાં છે અને કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે. ત્યાં સુધી પોલીસ મથકમાં જ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.