ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધાડ પાડવા શસ્ત્રો સાથે આવેલી કુખ્યાત ગેંગ ઝડપાઇ ગઈ છે. ગેંગના ૬ સાગરીતોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. જ્યારે સોપારી લેનાર બસ્તીખાન પઠાણ ફરાર છે. ટોળકી પાસેથી પોલીસે ધોકા-છરા, તલવાર, બેટ, ચાકુ, બરછી જેવા ઘાતકી હથિયારો કબ્જે કર્યા છે. પૂછપરછમાં આ ગેંગસ્ટરોએ ધડાકો કર્યો છે કે તેમના આકાએ લીધેલી સોપારીના કારણે તેઓ ધાડ પાડવા માટે આવ્યા હતા. જાેકે, આ અંગે બાતમી મળી જતા આ શખ્સોને ઝડપી લીધા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ક્રાઇમ બ્રાન્ચ-૨ ના પીઆઈ ઝાલા અને પીએસઆઈ વાઘેલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પીએસઆઈ પી. ડી. વાઘેલાને બાતમી મળી હતી કે, સેક્ટર-૮ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના દરવાજા પાસે કેટલાક શખ્સો ગાડીમાં ઘાતક હથિયારો સાથે ભેગા થયા છે. આ શખ્સોને ઝડપી પાડવા માટે સેક્ટર ૭ના સ્ટાફને સાથે રાખી પીઆઈ પવાર તથા પીએસઆઈ રાણા સહિતની ટીમે સાથે મળીને સંયુક્ત રેડ કરી હતી. જ્યાંથી છરા-તલવાર, ગુપ્તી, બરછી, ધોકા અને બેટ સહિતના ઘાતકી હથિયારો સાથે બસ્તીખાન પઠાણની ગેંગ મળી આવી હતી.

પોલીસે આ મામલે અમદાવાદ મીરઝાપુરના કુખ્યાત ફીરદોસ ઈસ્માઈલ ઉર્ફે બસ્તીખાન ખીલજી, ગૌતમ ઉર્ફે પંદરીયો, ધર્મેશ પાટડીયા, અલ્પેશ ફતપરા, કમલ ઉર્ફે કમલેશ વસાવા, નિકીન પટેલને ઉપાડી લીધા હતા. જ્યારે ઈસ્માઇલ ઉર્ફે બસ્તીખાન પઠાણ, સરીફ રસુલ મનસુરી, અફઝલ મનસુરી અજીજ, ઉજેફા વૉન્ટેડ છે. પોલીસે તેમની પાસેથી ૪ ફોર વ્હીલર, ૨ છરા, ૪ તલવાર, ૨ બરછી, ૨ ધારિયા, ૨ બેઝબોલના ધોકા, ૩ બેટ, ૭ મોબાલઇ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ શખ્સો સામે પોલીસે સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો.ની કલમ ૩૯૯,૪૦૨ તથા જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

વિવિધ પોલીસ સ્ટેશનમાં આઠ ગુના નોંધાયા છે

ઝડપાયેલા આરોપીઓ પૈકીનો બસ્તીખાન મોટો ગેંગસ્ટર છે. જ્યારે ફરીદોસ ઈસ્માઇલ ઉર્ફે બસ્તીખાન ખીલજી વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ મથકોમાં મારામારી રાયોટીંગના ૮ ગુના નોંધાયા છે. અગાઉ તેમને પાસા પણ થયેલા છે જ્યારે ગેંગના અન્ય લુખ્ખાઓ વિરુદ્ધ પણ અનેક ગુના નોંધાયેલા છે. જેમાં ગૌતમ ઉર્ફે પંદરીયા સામે અમદાવાદ વડોદરામાં ખૂન, મારામારીના ૪ ગુના નોંધાયેલા છે જ્યારે ધર્મેશ ઉર્ફે ચીંટુ પાટડીયા વિરુદ્ધ અમદાવાદમાં ૫ ગુના નોંધાયેલા છે. અલ્પેશ ઉર્ફે ખોડી દિપક કતપરા વિરુદ્ધ મુંબઈમાં લૂંટ, ધાડ, મારામારીના ૬ ગુના છે. વોન્ટેડ ઈસ્માઇલ અબ્દુલ ગફુર ખીલજી સામે ૧૨ ગુના નોંધાયેલા છે. બસ્તી ખાને ગાંધીનગરમાં અગાઉ ખૂન પણ કર્યુ હતું.