અમદાવાદ-

રાજયમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે અને જુગારધામ ચલાવતાં લોકો સામે કડક કાર્યવાહી માટે પાસા જેવા કાયદા છતાં અમદાવાદ શહેરમાં બેફામ જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાનો પર્દાફાશ રાજય પોલીસવડા આશિષ ભાટિયાની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કર્યો છે. રાજ્યમાં સૌથી મોટું જુગારધામ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ક્લબમાંથી મોડી રાતે સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યું છે. મોડી રાતથી હજી બપોર સુધી જુગારના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ૧૮૩ જુગારીઓ રેડમાં જુગાર રમતા ઝડપાયા છે. જેમાં ૧૭૯ પુરુષ અને ૧ મહિલા સામેલ છે. ૧૦.૯૯ લાખ રૂપિયા રોકડા મળ્યા છે. ૧૪૫ મોબાઈલ, ૧૬ વાહનો જેમાં ૧૫ ગાડીઓ અને ૧ રીક્ષા જપ્ત કરવામાં આવી છે.

મનપસંદ જીમખાના પર અગાઉ અનેક વખત રેડ પાડવામાં આવી છે. જાે કે દરવખતે તેનો સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા નાસી છૂટવામાં સફળ થતો હતો. જાેકે આ વખતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુખ્ય સંચાલક ગોવિંદ પટેલને પણ દબોચી લીધો હતો.વિજિલન્સની ટીમે રેડ કરી ત્યારે સંવેદનશીલ વિસ્તાર હોવાથી બહારની તરફ ૩૨ એસઆરપી સહિત કુલ ૫૦નો સ્ટાફ ઉભો રાખ્યો હતો. જાે કે રાતે જુગારીઓ વધુ હોવાથી વધુ પોલીસ ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પોળમાં તમામ જગ્યાએ સીસીટીવી લગાડેલા છે. એક મકાનમાં સીસીટીવી કંટ્રોલરૂમ અને નોટો ગણવાની કામગીરી કરવામાં આવતી હતી. પોલીસે નોટો ગણવા માટે બે મશીન અને હજારો કેટના ખોખા મળી આવ્યા હતા. પોલીસને વોકી ટોકી પણ મળી આવ્યા છે. જેના પર વાત કરી અને વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો હતો. દરિયાપુર મોટી વાઘજીપુરા પોળમાં મનપસંદ ચેરીટેબલ ટ્રસ્ટના નામે ક્લબની આડમાં ૭ બિલ્ડીંગમાં જુગાર રમવા દરરોજ ૩૦૦ જેટલા જુગારીઓ આવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

શહેરના દરિયાપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી જ્યોતિબેન પટેલે પોતાની ટીમ સાથે રાખીને દરોડા પાડ્યા હતા. એસએમસીની ટીમે ૭થી વધુ બિલ્ડિંગમાં રેડ કરીને અંદાજે ૧૮૦ જેટલા જુગાર રમતાં શખસોને ઝડપી પાડ્યા હતા. તમામની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.૯ મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટેડિયમ રોડ પર નવનિધી કોમ્પલેક્ષમાં ઉષા કોર્પોરેશન એન્ડ પટેલ ટ્રેડર્સ શોપ નામની દુકાનમાં જુગારધામ ઝડપ્યું હતું. સેલની ટીમે દુકાનમાં રેડ કરી ૯ જુગારીઓની ધરપકડ કરી હતી. આરોપી આહુજા કોમ્પ્લેક્સમાં રોજના રૂ. ૨૦૦૦ લેખે ૧૫ દિવસથી દુકાન ભાડે રાખી જુગારધામ ચલાવતો હતો.