આણંદ-

આણંદના ઉમરેઠના થામણા ગામ ખાતે એક મહિલાએ આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા બહેને તેના ભાઈને ફોન કરીને સાસરિયાઓ ત્રાસ આપી રહ્યાની આપવીતી કરી હતી. મૃતક મહિલા સાસરિયાઓના ત્રાસથી એટલી તો કંટાળી ગઈ હતી કે ભાઈ તેના ઘરે પહોંચે તે પહેલા જ બહેને આપઘાત કરી લીધો હતો. આ મામલે ઉમરેઠ પોલીસે મૃતક મહિલાના પતિ, સાસુ, સસરા વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ રીતે રક્ષા બંધનના તહેવાર પહેલા જ એક ભાઈએ તેની બહેન ગુમાવી છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ પંચમહાલના અને હાલ કપડવંજ ખાતે રહેતી પ્રવીણાના લગ્ન ૨૦૧૨માં થામણા ગામે રહેતા મુકેશ ગોહેલ સાથે થયા હતા. પ્રવીણા અને મુકેશને સંતાનમાં બે દીકરા છે. એવી પણ માહિતી મળી છે કે લગ્નના એક વર્ષ બાદ જ પ્રવીણાને તેનો પતિ અને સસરા તેમજ સાસુ શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. મહિલાને માર પણ મારવામાં આવતો હતો. જાેકે, પોતાનો સંસાર ટકી રહે તે માટે મહિલા મૂંગા મોઢે ત્રાસ સહન કરતી રહી હતી. જાેકે, સહનશક્તિ ખતમ થયા બાદ મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. એવી પણ માહિતી મળી છે કે મહિલાએ પોતાના પર ગુજારવામાં આવતા ત્રાસ અંગે નારી સંરક્ષણ ગૃહમાં ફરિયાદ પણ આપી હતી. આ મામલે મૃતક પ્રવીણાના ભાઈની ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસે મહિલાના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બહેને આપઘાત પહેલા તેના ભાઈનો ફોન કર્યો હતો. ભાઈ-બહેન વચ્ચે ફોન કોલનો સંવાદ વાયરલ થયો છે. ઓડિયોમાં બહેન કહી રહી છે કે, હું એક વાગ્યે નીકળું છું. જેના જવાબમાં ભાઈ કહે છે કે તારે ક્યાંય જવાની જરૂર નથી. હું આવી રહ્યો છું. જેના જવાબમાં બહેન કહી રહી છે કે, તું એકલો ન આવીશ. આ લોકો તને મારશે. સાથે જ બહેન એવું પણ જાણાવી રહી છે કે આ લોકો માર મારે છે અને ગાળો બોલે છે. જે મારાથી સહન નથી થતું. મહિલા વધુમાં પોતાની આપવીતી વર્ણવતા ભાઈને કહે છે કે, તેઓ વાળ પકડીને માર મારે છે. હું મરી જઈશ ત્યાં સુધી આ લોકો મને નહીં છોડે. મને મરી જવા દે. હું છોકરાઓને જાેઈને પાછી આવી. આ લોકોની કશી દયા ન કરાય. હવે હું મરી જઈશ.