વડોદરા : ઔવસીની પાર્ટી એઆઈએમઆઈએમએ છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી-બીટીપી સાથે હાથ મિલાવ્યા છે. ત્યારે શહેરમાં પ્રદેશ નેતાઓની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શહેર અને જિલ્લાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. આગામી દિવસોમાં શહેરમાં વોર્ડદીઠ અને જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત દીઠ સમિતિઓની રચના કરવા માટે કાર્યકરોને અનુરોધ કરાયો હતો.

પાલિકાની ચૂંટણીઓ સમયે જ રાજ્યમાં પ્રવેશ્યા બાદ બીટીપી સાથે એઆઈએમઆઈએમએ હાથ મિલાવ્યા હતા અને અમદાવાદ પાલિકામાં ૬ બેઠકો ઉપર જીત મેળવી ખાતું ખોલાવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે ૬ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોની હાર એઆઈએમઆઈએમના ઉમેદવારોને કારણે જ થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે કોંગ્રેસની ગણીગાંઠી કહેવાતી બેઠકો પણ ગુમાવતાં એક તબક્કે એઆઈએમઆઈએમને ભાજપાની બી ટીમ કહેવાતી હતી.

એઆઈએમઆઈએમના ગુજરાત પ્રમુખ શાબીર કાબલીવાલાએ વડોદરા બાવામાન હોલ ખાતે હાજરી આપી કાર્યકરોને આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીમાં લાગી જવા માટે હાકલ કરી હતી અને શહેર પ્રમુખ તરીકે ઈમરાન શેખ અને જિલ્લા પ્રમુખ તરીકે સમીર હુસેન મનસુરીના નામોની જાહેરાત કરતાં કાર્યકરોએ વધાવી હતી. બીટીપીના હરીશ ચૌહાણની પણ મહામંત્રી પદે નિમણૂક કરી હતી. બાદ નવા વરાયેલા પ્રમુખોએ કાર્યકરોને જણાવ્યું હતું કે એસસી/એસટી, ઓબીસી અને માઈનોરિટી એક જ વર્ગના પીડિત લોકો છે, એમની સમસ્યાઓને ઉજાગર કરવા માટે એક મજબૂત પક્ષની રાજ્યમાં જરૂર હતી. આ વર્ગ દ્વારા હવે આ પક્ષને વધુ મજબૂત બનાવાશે.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેરમાં વોર્ડદીઠ અને ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતદીઠ સમિતિની રચના કરી વધુ ને વધુ લોકોનો સમાવેશ કરાશે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત નવનિયુક્ત પ્રમુખોએ પાર્ટીનો ઉપરથી જે આદેશ આવશે એ મુજબ કાર્ય કરી પક્ષનો સારામાં સારો દેખાવ કરાશે એવી આશા વ્યક્ત કરી હતી.