નડિયાદ : યાત્રાધામ ડાકોરમાં શરદપૂર્ણિમા અને રાસોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રણછોડજીને વિશેષ શણગાર સાથે ઐતિહાસિક સવા લાખનો મુગટ ધારણ કરાવવામાં આવ્યો હતો. 

આજે યાત્રાધામ ડાકોરમાં શરદ પૂર્ણિમા અને રાસોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે ભગવાન રણછોડને વિશેષ શણગાર સાથે સવા લાખનો મુગટ ધારણ કરાવવામાં આવ્યો હતો. છેલ્લાં સાત મહિના અને સાત પૂર્ણિમાના દર્શન બંધ બારણે કોરોનાને લઈ ઉજવવામાં આવ્યાં હતાં, જેનાં દર્શનથી વંચિત રહેલાં ભક્તોએ આજે મનભરીને દર્શન કર્યાં હતાં. ઓનલાઇન રજિસ્ટ્રેશન કરનાર ૪ હજારથી વધુ ભક્તોએ આજે ભગવાન રણછોડના શરદપૂર્ણિમાના દર્શનનો લાભ લીધો હતો. આજે ભગવાન રણછોડરાયજીને વિશેષ દૂધ અને પૌવાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

છેલ્લાં છ મહિના દરમિયાન કોરોના મહામારી દરમિયાન ડાકોરમાં પૂનમે આવતાં ભક્તો ભગવાનના દિવ્ય દર્શનનો લાભ લેવા આતુરતાથી રાહ જાેઈને બેઠાં હતાં. ત્યારે ડાકોર રણછોડરાયજી મંદિરમાં ૬ મહિના બાદ ભક્તોને પ્રભુના દર્શનનો લ્હાવો મળ્યો હતો. શુક્રવારે શરદપૂનમના દિવસે મંદિરમાં સામાન્ય રીતે લાખોની સંખ્યામાં ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ જામતી હોય છે. શરદ પૂનમને ડાકોરમાં માણેકઠારી પૂનમ તરીકે પણ ઉજવવામાં આવે છે. હાલમાં કોરોના સંક્રમણને કારણે મંદિરમાં ઓછી ભીડ હોવાથી ભક્તોને દર્શન કરવામાં સરળતા રહી હતી. શુક્રવારે શરદપૂર્ણિમાની ઉજવણી દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમીને રાસોત્સવ ઉજવે છે. એવાં ભાવ સાથે યાત્રાધામ ડાકોરમાં ભગવાનને ચાંદીના દાંડિયા પણ ધારણ કરાવવામાં આવે છે. રણછોડરાય ભગવાનને દુર્લભ રત્નજડિત અને સુવર્ણ ઝરીથી મઢેલો ૨૦૦ વર્ષ જૂનો ઐતિહાસિક સવા લાખના મુગટથી શોભાયમાન કરવામાં આવ્યાં હતાં.

આજે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે વ્યવસ્થા બાબતે એકમત થતાં ભક્તો દિવ્ય દર્શનનો શાંતિપૂર્વક લાભ લઇ શક્યાં હતાં. ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ જ દર્શન વ્યવસ્થા નબળી પૂરવાર થઇ હતી. ૧૧,૦૦૦ની સંખ્યા નિશ્ચિત કરી હોવા છતાં સાંજે ૭ વાગ્યા સુધી દર્શનાર્થી આંકડો માંડ ૭૦૦૦ને પણ આંબી શક્યો નહોતો.

આજે શ્રીજી સન્મુખ વૈષ્ણવો અને ભક્તોએ રાસલીલાના પદો ગાઈ મંદિરમાં વ્રજનો માહોલ ઊભો કર્યો હતો. સાંજે શયન સખડી ભોગ સમયે પ્રભુને દૂધ પૌઆનો વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો લાભ લઇ હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

બીજી તરફ ડાકોરમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થા વેપારીઓ માટે મુશ્કેલી સર્જી રહી છે. આડબંધો સ્થાનિક વેપારીઓની આજીવિકામાં અવરોધ બની રહ્યાંની ફરિયાદો ઊઠી છે. આ બાબતે વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ છે. જાેકે, આ સમસ્યાનું કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. એક તો કોરોનાકાળ અને મોંઘવારીને કારણે છેલ્લાં સાત-આઠ મહિનાતી ધંધા-રોજગાર ઠપ થઈ ગયાં હોવાથી મુશ્કેલીમાં મુકાયેલાં વેપારીઓએ શુક્રવારે જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીનો ઘેરાવો કર્યો હતો. એક તબક્કે તંત્રની વિરુદ્ધમાં બોડાણા સર્કલથી મંદિર સુધીની દુકાનો બંધ થઈ ગઈ હતી. ડાકોર પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ડાકોરના વેપારીઓમાં તંત્ર વિરુદ્ધ રોષ ભભૂકી ઊઠ્યો છે.