ગાંધીનગર-

હવે આગામી ૩૧મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એક સાથે બેસાડી ૬ કિ.મીના ૩૦૦ રૂપિયામાં મનોરંજન સાથે બોટિંગ કરાવતી ફેરી ક્રુઝ બોટ સેવાનું લોકાર્પણ થાય એવી શકયતાઓ વચ્ચે પુનઃ તૈયારી કરવામાં આવી રહી છે. ફેરી ક્રુઝ બોટને સર્વિસ કરી પ્રવાસીઓને સફરમાં લઇ જવા તૈયાર કરવામાં આવી છે ત્યારે કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ માટે ૫૦ જેટલા પ્રવાસીઓની સફર કરાવશે, એવી તૈયારી સાથે આ સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે. નર્મદા જિલ્લામાં આવેલ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દેશ અને દુનિયામાં પ્રચલિત થઈ છે.

જેને જાેવા ૨ વર્ષમાં ૪૪ લાખ કરતા વધુ પ્રવાસીઓ આવી ચુક્્યા છે અને સરકાર દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં આજે પ્રવાસીઓ માટે એક વધુ આકર્ષણ બનશે. જળમાર્ગમાં ફેરી ક્રુઝ બોટ સરકાર દ્વારા જેમ હાલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ક્રુઝ દ્વારા લિબર્ટીની આજુબાજુ ફરી લિબર્ટી જાેઈ શકાય છે. તેમ હવે કેવડિયા પાસે બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ ફરશે. ક્રુઝ બોટમાં પ્રવાસીઓને બેસાડી બોટિંગનો મઝા આપવામાં આવશે. આ ક્રુઝ બોટમાં એક સાથે ૨૦૦ જેટલા પ્રવાસીઓ બેસી શકશે એટલી કેપેસીટી છે.

આ બોટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જળમાર્ગે પણ પ્રવાસીઓ જાેઈ શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેની ટિકિટ પણ ૨૫૦થી ૩૦૦ રૂપિયા રાખવામાં આવી છે, જે ક્રુઝ બોટને કેવડિયા ૬ કિમીના અંતરમાં ચલાવવામાં આવશે. રાત્રી દરમ્યાન ટ્રેડિશનલ ડાન્સ સાથે ગીત સંગીત પણ હશે, જેથી બોટમાં બેસેલા પ્રવાસીઓને આનંદ મળી રહેશે. ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવવાના હોય તેમના હસ્તે ખુલ્લી મુકાશે. આ માટે આ ફેરી બોટને ફરી શણગારવામાં આવી રહી છે.