વડોદરા, તા.૨૬

વડોદરા શહેરના મેયર નિલેશસિંહ રાઠોડ સાથે ફરતી થયેલી નનામી પત્રિકાકાંડમાં પાલિકામાં શાસકપક્ષના નેતા અલ્પેશ લિંબાચિયાનું નામ આવતાં તેમની ધરપકડ કરાઈ હતી. ત્યારે શહેર ભાજપના રાજકારણમાં ભૂકંપ સર્જનાર આ પ્રકરણમાં ભાજપમાં હવે વ્યક્તિગત હિસાબોની પતાવટનો ખેલ શરૂ થયો હોવાની ચર્ચા વચ્ચે આજે ક્ષત્રિય સમાજ સંગઠને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી અલ્પેશ લિંબાચિયાની સાથે સમગ્ર મામલાની તપાસની માગણી કરી હતી. ત્યારે આગામી દિવસોમાં ભાજપમાં મોટો ભડકો થાય તેમ મનાઈ રહ્યું છે.

મેયર સામે ફરતી કરાયેલી નનામી પત્રિકાકાંડમાં શાસકપક્ષના નેતા અલ્પેશ લિંબાચિયાની ધરપકડ બાદ નેતાપદેથી તેમણે રાજીનામું આપ્યું છે. તો શહેર ભાજપ પ્રમુખે આ સમગ્ર મામલે ચાર દિવસમાં ખુલાસો કરવા શોકોઝ નોટિસ આપી છે, સાથે દંડકને અલ્પેશ લિંબાચિયાને કાઉન્સિલરપદેથી ગેરલાયક ઠેરવવા કાર્યવાહી કરવાની સૂચના આપી છે. શહેર ભાજપમાં જૂથબંધી નવી વાત રહી નથી. ત્યારે મેયર સામેની પત્રિકાકાંડના પ્રકરણમાં વધુને સંડોવીને ક્ષત્રિય સમાજની આડમાં વ્યક્તિગત હિસાબોની પતાવટનો ખેલ ભાજપમાં શરૂ થયાની ચર્ચાઓ તેમજ શંકા-કુશંકાઓ ભાજપા મોરચે થઈ રહી છે.

આ આખા વિવાદમાં અલ્પેશ લિંબાચિયાની સાથે પૂર્વ મેયર કેયુર રોકડિયાને પણ સંડોવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને લઈને ભાજપમાં મોટો ભડકો થયો છે અને આગામી દિવસોમાં ધેરાપ્રત્યાધાતો પડે ેતેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આવેદનપત્ર આપનાર ભાજપમાં કોની નજીક તપાસ શરૂ

શહેર ભાજપમાં પાછલાં કેટલાંક દિવસથી જે રીતે ચાલી રહ્યું છે તે જાેતાં કોઠી ધુવો અને કાદવ જ બહાર નીકળે તેમ ભાજપના આંતરિક વિવાદનો કાદવ બહાર નીકળી રહ્યો છે તેવી ભાજપમાં ચાલતી ચર્ચા વચ્ચે આવેદનપત્ર આપનર ભાજપમાં કોની નજીક? તેની તપાસ પણ શરૂ કરાયાનું ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે.

સગીરા પર દુષ્કર્મ સહિતના આરોપી ઝડપી નહીં શકનાર ક્રાઈમ બ્રાન્ચે પત્રિકાકાંડમાં પ્રશંસનીય કામગીરી કરી

છેલ્લાં ત્રણ ચાર દિવસથી કોર્પોરેશનમાં શાસન ધરાવતા ભાજપમાં કોન્ટ્રાકટમાં ભાગબટાઈના આંતરિક ઝઘડામાં મોકલાવેલી બેનામી પત્રિકાકાંડના આરોપીઓને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અંગત રસ લઈને ઝડપી પાડયા તે પ્રશંસનીય છે. પરંતુ નગરજનોના વેરાના રૂપિયાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થાય, જેનાથી લોકોને ફાયદો થાય તેવા પગલાં લીધાં નથી. નવલખી કંપાઉન્ડમાં સગીરા પર દુષ્કર્મ અને વેપારીના પાંચ કિલો સોનું ભરેલી બેગની ઉઠાંતરીના કેસમાં આરોપીઓને ઝડપી નહીં શકતાં શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પત્રિકાકાંડમાં પ્રશંસનીય કામગીરી કરી તેવી ટકોર સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા રજૂઆત કરાઈ હતી.

ક્ષત્રિય સમાજ સંગઠનના નામે રજૂઆત તો દલિત મહિલા કોણ ?

શહેર પોલીસ કમિશનરને મેયર સામેની પત્રિકાકાંડ મામલે માનહાનિ અંગે ફરિયાદ સાથે વડોદરા ક્ષત્રિય સમાજ સંગઠને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. ત્યારે દલિત સમાજમાંથી આવેલ એક મહિલા અગ્રણી પણ ક્ષત્રિય સમાજના નામે ઉપસ્થિત રહ્યાં હતાં, જેને લઈને ભાજપમાં હડકંપ મચ્યો છે.