મુંબઇ 

બાલિકા વધૂ'ની આનંદી એટલે કે અવિકા ગોરે આ સિરિયલથી પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. હાલમાં જ અવિકાએ પોતાના ટ્રાન્સફોર્મેશનની તસવીર શૅર કરીને ચાહકોને નવાઈમાં મૂકી દીધા છે. અવિકાએ 13 કિલો વજન ઓછું કર્યું છે. અવિકાએ સોશિયલ મીડિયામાં પોતાની 'વેઈટ જર્ની' અંગે પણ વાત કરી હતી. અવિકાએ કહ્યું હતું કે તે ક્યારેય પોતાના શરીર પર ધ્યાન આપતી નહોતી અને ગમે તે ખાતી રહેતી હતી. જોકે, એકવાર તેણે પોતાની જાતને અરીસામાં જોઈ તો તે રડી પડી હતી અને પછી તેણે વજન ઘટાડવાનો નિર્ણય લીધો હતો.


અવિકાએ પોસ્ટમાં કહ્યું હતું, 'મને આજે પણ યાદ છે કે ગયા વર્ષે એક રાત્રે મેં મારી જાતને અરીસામાં જોઈ હતી અને હું રડી પડી હતી. હું મારી જાતને આ રીતે જોવા માગતી નહોતી. હાથ-પગ પર ચરબીના થર જામેલા હતા અને પેટ પણ ખાસ્સું એવું વધી ગયું હતું. જો મને કોઈ બીમારી (થાઈરોઈડ કે પછી PCOD) હોય અને વજન વધે તો મને કંઈ વાંધો નહોતો, કારણ કે આ વાત મારા કંટ્રોલમાં નહોતી પરંતુ હું ગમે તેમ ખાતી હતી અને વર્કઆઉટ કરતી ના હોવાને કારણે મારું વજન આટલું બધું વધી ગયું હતું.' આપણા શરીરને સારી દેખભાળની જરૂર હોય છે, પરંતુ હું મારા શરીરને જ માન આપતી નહોતી. આ જ કારણે હું જે રીતે દેખાતી હતી, તે મને બિલકુલ પસંદ નહોતું. મને ડાન્સ કરવો ઘણો જ ગમે છે, પરંતુ હું તે પણ કરી શકતી નહોતી. હું બસ એ જ વિચારો કરતી કે હું કઈ રીતે સારી દેખાઈ શકું. હું સતત મારી જાતને જજ કરતી હતી અને મને ઘણું જ ખરાબ લાગતું હતું. બહારના લોકોને કંઈ કહેવાની તક જ બાકી રહેતી નહોતી. મને સતત અસલામતીની ભાવના રહેતી અને હું હંમેશાં થાકેલી રહેતી. આટલું જ નહીં મારો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો હતો. આ જ કારણે હું મારી આસપાસના લોકો પર ગુસ્સે થઈ જતી હતી.'

'એક દિવસ મેં નક્કી કર્યું કે બસ હવે બહુ થઈ ગયું અને મારે આ અંગે કંઈ કરવું પડશે. રાતોરાત કંઈ જ બદલાતું નથી. આથી જ મેં યોગ્ય દિશામાં ફોકસ કરવાનું નક્કી કર્યું. મને ડાન્સ બહુ જ પસંદ છે અને મેં ડાન્સ કરવાની શરૂઆત કરી. યોગ્ય ભોજન લેવાનું શરૂ કર્યું અને વર્ક આઉટ પણ શરૂ કર્યું હતું. આ જર્ની દરમિયાન ઘણી જ મુશ્કેલીઓ આવી હતી પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે હું અટકી નહીં. મારી આસપાસના લોકોએ મને સતત ગાઈડ કરી હતી.'

'ટૂંકમાં આજે મેં મારી જાતને અરીસામાં જોઈ અને મારે નજર હટાવવાની જરૂર પડી નહીં. મેં હળવું સ્માઈલ આપ્યું અને મારી જાતને કહ્યું કે હું ઘણી જ સુંદર છું. જે લોકો આ વાંચી રહ્યા છે, તે પણ એટલાં જ સુંદર છે. આપણે જે કરી શકતા નથી, તેના પર દુઃખી થવાને બદલે આપણે જે કરી શકીએ છીએ તેના પર ભાર આપવાની જરૂર છે. જેના પર આપણો કંટ્રોલ છે, તે બાબત આપણે જરૂરથી કરવાની જરૂર છે.'