અરવલ્લી,તા.૯ 

અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રધામ શામળાજીના સાનિધ્યમાં શામળપુરની એકલવ્ય મોડેલ રેસીન્ડસી સ્કૂલ ખાતે સાસંદ દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા-અરવલ્લીના સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આદિજાતિ તાલુકાના ગામોમાં પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડી આદિવાસી લોકોને અગ્રિમ હરોળમાં લાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, રાજય સરકાર દ્વારા સમાજના છેવાડા વિસ્તારના લોકોને શિક્ષણ, આરોગ્ય, પાણી અને રોડ-રસ્તાની સુવિધા પુરી પાડવાની સાથે તેમના ભવ્ય વિરાસત ધરાવતા આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કર્યુ છે. તેમની કલાને વિશ્વ ફલક પર મુકીને તેમણે આર્થિક રીતે આર્ત્મનિભર બનાવવાનો રાજય સરકારે ઉત્કૃષ્ઠ પ્રયાસ હાથ ધર્યો છે. તેમણે આદિજાતિ મહિલાઓને સંકલિત ડેરી વિકાસ યોજના સાથે સાંકળીને પશુપાલનના વ્યવસાય થકી આર્થિક રીતે પગભર બનાવવાના નક્કર પગલા ભર્યા છે.સાસંદ આદિજાતિના બાળકોને શિક્ષણની પાયાની સુવિધા પુરી પાડીને અન્ય સમાજના બાળકના હરોળમાં લાવવાનું કામ રાજયની આ સરકાર કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું. વર્ષ ૧૯૮૪થી યુનો દ્વારા શરૂ કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણીથી તેમના હક્કોને રક્ષણ આપવાનું કામ કર્યુ હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. આ પ્રસંગે ભિલોડાના ધારાસભ્ય ડાૅ. અનિલ જોષીયારાએ જણાવ્યું હતું કે આદિવાસી લોકોની જમીનને લગતા ૭૩એએના કાયદામાં સુધારા અંગે લોકોને જે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેના વિષે સરકારે નક્કર પગલા લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે આદિવાસી લોકોને વનઅધિકાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેજસ્વી તારલાઓ, રમતવીરો, કૃષિ, પશુપાલન અને સમાજક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન કરનાર લોકોનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. મુખ્યમંત્રીના હસ્તે સ્પોર્ટસ સંકુલનું ગાંધીનગર ખાતેથી ડિઝીટલ લોકાપર્ણ કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકર, ડીડીઓ ડાૅ.અનિલ ધામેલીયા, આદિજાતિ અગ્રણી પી.સી.બરંડા, રાજુભાઇ નિનામા તેમજ અગ્રણી રણવીરસિંહ ડાભી, પ્રાયોજના વહિવટદાર મુનીયા સહિત આદિજાતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.