વડોદરા,તા.૧૯, 

સંજયનગર આવાસ યોજનામાં પાલિકાના કૌભાંડની વિરુધ્ધ વડોદરા શહેર કાૅંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલના નેતૃત્વમાં શહેર કાૅંગ્રેસ દ્વારા વારંવાર આંદોલન કરવામાં આવેલ છે અને તે અંતર્ગત ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા દ્વારા સંજયનગરની મુલાકાત લેવામાં આવી છે. તેમની જોડે શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, જિલ્લા પ્રમુખ સાગર બ્રહ્મભટ્‌ટ, પ્રદેશના નેતા નિલેશ બ્રહ્મભટ્‌ટ, ગુણવંતસિંહ પરમાર, નરેન્દ્ર રાવત શહેર પ્રવક્તા અમિત ઘોટીકર,પ્રભુ સોલંકી વગેરે હાજર રહ્યા હતા.

પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ સંબોધન કરતા જણાવ્યું કે વડોદરા પાલિકાના દ્વારા ૬૦ લાખ ફૂટ જગ્યા પાલિકાએ બિલ્ડરને નજીવા ભાવે આપી દીધી છે. નિયત મર્યાદામાં મકાન બાંધવાની જગ્યાએ ચાર વર્ષ સુધી બાંધી ન આપ્યા અને ભાડું ચુકવવામાં ધંધિયા કરે છે.શહેરના મેયર, રાજ્યના મુખ્યમંત્રી એક દિવસ ૩૫૦ ફૂટના ઘરમાં રહીને જુઓ તો ખરા.આ ૧૬ લાખ ફુટ જમીન હજારો કરોડ રૂપિયાની જમીનમાં પણ વિસ્થપિતને મકાન પણ આપતા નથી. જો ગાંધીનગર ચાલતા જવાનું થશે તો અમિત ચાવડા પણ પદયાત્રામાં જોડાશે. અને દિલ્લી જવાનું હશે તો પણ જોડે આવશે અને પોલીસ દ્વારા રોકશે તો પણ લડત આપવા તૈયારી બતાવી હતી.તેઓએ એકતા રાખીશું તો ૬૦૦ ફૂટના મકાન મળશે જ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..

સંજયનગર આવાસ યોજનામાં ૨૦૧૭થી કોર્પોરેશન દ્વારા લાભાર્થીઓને તથા કોર્પોરેશનની તિજોરીને નુકશાન પોહચાડીને ૨૦૦૦ કરોડનું કૌભાંડ કોના ઈશારે અને કોના ફાયદા માટે કરવામાં આવ્યું છે?એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.આજે ૩ વર્ષ પછી પણ એક ઇટ પણ નહીં મૂકી શકનાર બિલ્ડરને કયા મેરીટ પર આ પ્રોજેકટ આપવામાં આવ્યો ? લાભાર્થીઓને રઝળતા કરી મૂક્યા અને છત્તા શાષકપક્ષનું અકલ્પીનય અકથ્ય મૌન એક પ્રશ્નાર્થ ચિન્હ સમાન છે. સ્માર્ટ સિટી અંતર્ગત આ પ્રોજેકટની હજી કોઈ શરૂઆત થઈ નથી અને બિલ્ડર સાથે સંજયનગરના રહીશો સાથે થયેલ કરાર મુજબ દર મહિને બે હજાર રૂપિયા ભાડું ચૂકવવાની બાબતે રહીશોને ધક્કા ખાઈ આંટા આવી જાય એ રીતનું વર્તન આચરવામાં આવ્યું છે.આ કોન્ટ્રાકટ તાત્કાલિક કેન્સલ કરી કોર્પોરેશન આ પ્રોજેકટ પોતાના હસ્તક લે જેથી લાભાર્થીઓને માત્ર ૩૫૦ ફૂટની શ્વાસ રૂંધાઇ જાય એવી ઓરડી નહીં પરંતુ ૬૦૦ફૂટનું મકાન બનાવી આપી શકાય અને ખાલી પડેલી કોર્પોરેશની તિજોરીમાં આવક થાય. આની વિસ્તૃત ફરિયાદની નકલ રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રીને રવાના કરેલ છે.

પૂર્વ મેયર, કમિશ્નર અને અન્ય નેતાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો

સંજયનગર સમિતિના અગ્રણી પ્રભુ સોલંકીએ આ સમગ્ર કૌભાંડમાં જે તે સમયના પાલિકાના મેયર ભરત ડાંગર તથા કમિશ્નર ડો.વિનોદ રાવ અને હાલના પાલિકાના શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે,પીપીપી ધોરણના રૂપાળા નામે ખાનગી બિલ્ડરને કરોડોની આવક રળવાને માટે ખુલ્લું મેદાન આપવામાં આવ્યું છે.શાસક પક્ષનો એના પ્રત્યેનો લગાવ જગજાહેર છે.

પાલિકાના ઇજારામાં નેતાના ભાઈને કામોની લ્હાણી કરાઈ

સંજયનગર ખાતે ઉપસ્થિત સમિતિના અગ્રણીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાલિકાના શાસક પક્ષના નેતાના એક ભાઈ કમલને રોડના અને બીજા ભાઈ લાલાને કન્સ્ટ્રક્શનના ઇજારાઓની લ્હાણી કરાય છે.તેઓ દર વર્ષે એકના એક રોડ નવા બનાવતા હોવાનો આક્ષેપ કરતા ઉમેર્યું હતું કે, નેતા એક સમયે સ્કૂટર લઈને ફરતા હતા.ત્યારે આટલા ટૂંકા ગાળામાં પાંચ હાજર સ્કવેર ફૂટના બંગલામાં કેવી રીતે રહેવા લાગ્યા.જમાઈને રૂપિયા ૨૦ લાખની ગાડી ભેટમાં ક્યાંથી આપી એની તાપસ કરાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.