વડોદરા

શહેર પોલીસ વિભાગે છટકું ગોઠવી આવતી-જતી મહિલાઓ-યુવતીઓની પજવણી કરતા ચાર યુવકોને ઝડપી પાડયા છે. તાજેતરમાં જ મહિલાઓની સુરક્ષા, હક્કોના રક્ષણ ઉપરાંત એકલવાયુ જીવન જીવતા વૃદ્ધોની મદદ માટે દરેક પોલીસ મથકો ઉપર ‘શી’ ટીમની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રથમ વાર ‘શી’ ટીમે રોમિયોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

નવાપુરા વિસ્તારમાં ‘શી’ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે શિયાબાગ વિસ્તારમાં કેટલાક યુવકો પસાર થતી યુવતીઓ સાથે મથકમસ્તી-છેડતી કર છે. જેથી મહિલા પોલીસની ટીમે ગત રાત્રિએ ૧૦.૩૦ વાગે શિયાબાગ મીઠીબા હોલ પાસે સાદા ડ્રેસમાં પગપાળા જતા હતા તે સમયે ચાર યુવકોએ તેમને જાેઈને અશ્લીલ ગીતો ગાઈને અપશબ્દો બોલી બીભત્સ ચેનચાળા કરી છેડતી કરી હતી.

આ સમય દરમિયાન અન્ય પોલીસ સ્ટાફ પણ વોચમાં હોવાથી ચારેય રોમિયોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં મયુર લાલાભાઈ કહાર, વિજય સુરેશભાઈ કહાર, ગુરુપ્રસાદ પરસોત્તમ કહાર ત્રણેય રહે. કહાર મહોલ્લો-નવાપુરા અને કરણ ભરતભાઈ કહાર રહે. કાકાસાહેબનો ટેકરો દાંડિયા બજારનો સમાવેશ થાય છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જીપી એકટ ૧૧૦ અને ૧૧૭ મુજબ ગુનો નોંધી તેમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.