વડોદરા, તા. ૧૧

૨૦ વર્ષ અગાઉ નાગરવાડામાં રહેતી સગીર વયની પ્રેમીકાને પોતાની સાથે ભગાડી ગયા ગયા બાદ કિશોરી સાથે પોતાના વતન ઉત્તરપ્રદેશમાં રહીને ઘરસંસાર માંડી તેમજ ત્રણ સંતાનોનો પિતા બનેલો યુવક આજે પરિવાર સાથે વડોદરામાં રહેતા સંબંધીને મળવા આવતા જ કારેલીબાગ પોલીસે યુવકની કિશોરીના અપહરણના ગુનામાં અટકાયત કરી હતી.

૨૦ વર્ષ અગાઉ શહેરના હરણીરોડ પર રહેતો મુળ ઉત્તરપ્રદેશનો એક કિશોર રાજેશ (નામ બદલ્યુ છે) નોકરી-ધંધાની શોધમાં વડોદરા આવીને સંબંધીના ઘરે રહેતો હતો. દરમિયાન નાગરવાડા વિસ્તારમાં છુટ્ટક કામ કરતી વખતે તેની નજીકમાં રહેતી હેતલ (નામ બદલ્યુ છે) નામની સગીરા સાથે પ્રેમસંબંધ બંધાતા તે હેતલને પોતાની સાથે ભગાડી ગયો હતો. આ બનાવની કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજેશ સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો. રાજેશ અને હેતલે અલગ અલગ સ્થળે રહ્યા બાદ ઉત્તરપ્રદેશમાં રાજેશના વતનમાં ઘરસંસાર માંડ્યો હતો અને તેઓ ત્રણ સંતાનોના પિતા બન્યા હતા. બીજીતરફ ૨૦ વર્ષ જુની ફરિયાદના આરોપીને શોધવા માટે કારેલીબાગ અત્રે રહેતા રાજેશના સાઢુના ઘરે તેમજ સંબંધીઓના ત્યાં વારંવાર તપાસ માટે જતા સંબંધીઓએ રાજેશને એકવાર પોલીસ મથકમાં હાજર થવા દબાણ ઉભુ કર્યું હતું. તાજેતરમાં ૩૭ વર્ષનો રાજેશ અને હેતલ તેઓના ત્રણેય સંતાનો સાથે વડોદરામાં આવ્યા હોવાની તેમજ રાજેશ ઈન્દિરાનગર બ્રિજ પાસે ઉભો હોવાની કારેલીબાગ પોલીસ મથકના હેકો હરપાલસિંહ અને પોકો જગદીશભાઈની બાતમીના પગલે ડીસ્ટાફના જવાનોએ રાજેશને ઝડપી પાડ્યો હતો. રાજેશને કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ કોર્ટમાં રજુ કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

પત્ની અને ત્રણેય સંતાનોની

પોલીસ મથકમાં રોકક્કળ

૨૦ વર્ષ જુના કેસમાં રાજેશની અટકાયત થતા જ રાજેશની પત્ની અને ત્રણેય સંતાનો સહિતના સંબંધીઓનું ટોળું પોલીસ મથકે આવી પહોંચ્યું હતું તેમજ પત્ની અને સંતાનોએ રાજેશને છોડી દેવા માટે પીઆઈ વી.એન.મહિડા સમક્ષ રોકક્કળ મચવા હતી. હેતલે તે તેની મરજીથી રાજેશ સાથે ગઈ હતી અને તેમાં રાજેશનો કોઈ ગુનો નથી તેવી ઉગ્ર દલીલ કરી હતી પરંતુ પીઆઈ મહિડાએ તેને કાયદાની પ્રક્રિયાથી વાકેફ કરાવતા તે શાંત પડી હતી.

રાજેશ સામે બળાત્કારનો ગુનાનો ઉમેરો કરાશે

ગુનો કરતી વખતે રાજેશની ઉંમર પણ સાડા સત્તર વર્ષની હોઈ તે પણ બનાવ સમયે સગીર વયનો હોવાની ખાત્રી થતાં પોલીસે તેની સામે જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. જાેકે તેની સામે માત્ર અપહરણનો ગુનો હતો પરંતું ત્યારબાદ તે સંતાનનો પિતા બનતા તેની વિરુધ્ધ બળાત્કારના ગુનાનો પણ ઉમેરો કરવામાં આવશે.