વડોદરા : મહારાષ્ટ્રથી રાજસ્થાન પાસિંગના એક ટ્રેલરમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ તરફ લઇ જવાતો હોવાની માહિતીના આધારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે મોડી રાત્રે કરજણ ટોલનાકા પાસેથી દારૂના જથ્થા સાથેનું ટ્રેલર ઝડપી પાડ્યું હતું. સ્થળ પરથી પોલીસે ૧૪ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રેલર મળીને કુલ રૂા. ૨૪.૨૭ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા એલસીબીના પીઆઇ ડી.બી.વાળાને માહિતી મળી હતી કે, વિદેશી દારૂના જથ્થા સાથેનું રાજસ્થાન પાસિંગનું એક ટ્રેલર મહારાષ્ટ્રથી વડોદરા થઇ અમદાવાદ તરફ જવાનું છે, જે માહિતીના આધારે એલસીબી સ્ટાફ દ્વારા કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાનમાં ભરૂચ તરફથી ટ્રેલર આવતાં જ પોલીસે તેને હાથના ઇશારાથી રોકીને તેમાં તપાસ કરતાં કાચના ટુકડા ભરેલા ટ્રેલરમાંથી રૂા.૧૪ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને ટ્રેલરને કબજે કરવા સાથે રાજસ્થાનના ટ્રેલરચાલક રામનિવાસ કેસરારામ બિસ્નોઇની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા રામનિવાસની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી રાજસ્થાનના જાેધપુરના વતની વિનોદ બિસ્નોઇ અને રાજસ્થાનના સાગડવા ગામના વતની અશોક પુનારામ બિસ્નોઇએ ભરાવ્યો હતો અને દારૂનો જથ્થો અમદાવાદના જગદીશ નામની વ્યક્તિને પહોંચાડવાનો હતો. જિલ્લા એલસીબીએ આ બનાવની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં

નોંધાવી હતી.