ગાંધીનગર, ગાંધીનગરમાં કોરોનાના કેસ વધતા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. ત્યારે ગાંધીનગર મહાપાલિકામાં વહીવટદાર તરીકે આઈએએસ અધિકારીને હવાલો સોંપવામાં આવે તેવી ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. કોરોનાની મહામારીની સ્થિતિમાં ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી જાહેર કરાય તે પૂર્વે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા આવેદન પત્ર પાઠવીને આંદોલન કરીને ચૂંટણી મોકૂફ રાખવા માંગણી કરાઈ હતી. ત્યાર બાદ સૌપ્રથમ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી-’આપ’ દ્વારા ચૂંટણી પંચને મહાપાલિકાની ચૂંટણી મુલતવી રાખવા રજૂઆત કરાઈ હતી, ત્યારબાદ બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ કોરોનાની મહામારીની સ્થિતિમાં ચૂંટણી ન યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆતો કરાઈ હતી. અને છેવટે શાસક પક્ષ ભાજપના મુખ્યમત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી મુલતવી રાખવા રજૂઆત કરાઈ હતી. મુખ્યમંત્રી અને શાસક પક્ષના પ્રમુખની ચૂંટણી મુલતવી રાખવાની માંગણી બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીને મુલતવી રાખવાની જાહેરાત કરાઈ હતી. ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી મુલતવી રાખવામાં આવ્યા બાદ હવે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને ગાંધીનગર મહાપાલિકામાં વહીવટદારની નિમણુક કરવામાં માટેની માંગણી કરવામાં આવી હતી. આ અંગે ગાંધીનગર મહાપાલિકાના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાપાલિકામાં પૂર્વ સત્તાધીશો દ્વારા અસંખ્ય ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને ખોટા ર્નિણયો કરીને વિના ટેન્ડરે કામો આપવામાં આવ્યા છે. જેની સંપૂર્ણ તપાસ માટે આઈએએસ અધિકારીની નિમણુક કરવામાં આવે તે જરૂરી છે. શહેર વસાહત મહાસંઘના પ્રમુખે આક્ષેપ સાથે એવું પણ જણાવ્યું છે કે, ગાંધીનગર મહાપાલિકામાં વહીવટદાર તરીકે મ્યુનિ. કમિશનરની નિમણુક કરવામાં ન આવે. કારણ કે, પૂર્વ ચૂંટાયેલી પાંખ અને કમિશનરની મીલીભગતથી મહાપાલિકામાં વહીવટ કરવામાં આવતો હતો. જેથી મ્યુનિ. કમિશનરને જ વહીવટદાર તરીકે નીમવામાં આવશે.