પાટણ : ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે પટોળા. ૯૦૦ વર્ષ જૂની કલા કારીગરીનું અદભુત ઉદાહરણ એટલે પટોળા. ઔદ્યોગિક ક્ષેત્રે સમયાંતરે અનેક પરિવર્તન આવ્યાં, પરંતુ પટોળું આજે પણ મશીનથી નહીં પણ હાથથી જ બને છે. પટોળું એક સમયે પાટણ શહેરના ૭૦૦ પરિવારો તૈયાર કરતા હતા. પરંતુ આજે માંગ અને સમય બદલાતાં ડોક્ટર, એન્જિનિયર અને આર્કિટેક જેવી ડિગ્રીવાળા ૩ પુત્રો સહિતના ૮ સભ્યોનો એકમાત્ર સાલવી પરિવાર પટોળા બનાવે છે.પાટણના ઘરેણા સમાન આ પટોળામાં આવેલા પરિવર્તન અંગે સાલવી પરિવાર પાસેથી જાણવા પ્રયાસ કરાયો. જેમાં જાણવા મળ્યું કે, ડબલ ઇકટ (બંને બાજુ પહેરી શકાય) પટોળાની બજાર કિંમત રૂ.૧.૫૦ લાખથી શરૂ થતી હોઇ સામાન્ય માણસ તે ખરીદવાનું વિચારી પણ ન શકતો. સમયાંતરે મોંઘવારી વધતાં અને અવનવી બ્રાન્ડ બજારોમાં આવતાં પટોળા માર્કેટ પર અસર થઇ છે.આ સંજોગોમાં પટોળામાંથી જ ટાઈ, દુપટ્ટા, સ્ટૂલ, સ્કાફ, પોકેટ, પોટલી, કોટી, ડ્રેસ અને ચણિયાચોળી પણ બનાવવામાં આવી રહ્યાં છે અને તે રૂ.૨૦૦૦ થી લઇ ૧૫ હજાર સુધીમાં વેચાય છે, જે સામાન્ય માણસ પણ હોંશથી ખરીદી શકે છે. ૧૫ થી ૩૦ હજારમાં મળી રહે તેવા પટોળા પણ બજારમાં મળે છે. જે સીંગલ ઇકટ હોય છે. પટોળા પહેલા પાટણમાં જ બનતા હતા. પરંતુ હવે રાજકોટ, સુરત, સાઉથ સહિતના શહેરોમાં બને છે. તેની કિંમત માત્ર ૩૦ થી ૫૦ હજાર હોય છે. પાટણમાં લોકો રાજકોટથી રેડીમેડ લાવી ગ્રાહકોને પધરાવી રહ્યા છે. જેમાં લોકો છેતરાઈ રહ્યા હોવાનું રાહુલ સાલવીએ જણાવ્યું હતું.વર્ષોથી પટોળા માટે ફક્ત ચાઈનાથી ટ્રિપલ એ ગ્રેડ ચાઈનિઝ સિલ્ક (રેશમ ) આવતું અને તેનો જ પટોળા બનાવવામાં ઉપયોગ થતો. પરંતુ દેશમાં ચાઈનિઝ વસ્તુઓના બહિષ્કાર બાદ આ પરિવારે પણ ચાઈનિઝ સિલ્ક લાવવાનું બંધ કરી દીધું છે. ૬ મહિનાથી દેશમાં મૈસુરથી મલબેરી સિલ્ક (રેશમ) લાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે.સને ૧૯૩૬માં ક્રિકેટર વિજય મર્ચન્ટની માતાએ પાટણમાંથી રૂપિયા૧૨૦માં પટોળું ખરીદ્યું હતું. તેનું બિલ હાલ પટોળા હાઉસમાં છે. એ સમયે પટોળાની કિંમત રૂ.૧૨૦ એટલે કે, આ રકમ આજના રૂ. એક લાખ જેટલી આંકી શકાય. આજે મોંઘવારી સાથે પટોળું રૂ.૪ લાખ સુધી વેચાય છે.