ઇડર-

લોકોને સંયમના પાઠ શીખવતા જૈન સાધુ ફરીથી વિવાદમાં આવ્યા છે. આ વખતે પાવાપુરી જલમંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ઈડરના પાવાપુરી જલમંદિરના રાજતિલક સાગરજી સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 8 વર્ષ અગાઉ લગ્નની લાલચ આપીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ખળભળાટ મચાવી નાંખતો આરોપ મૂક્યો છે. ઈડર પોલીસે હાલ મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ઇડર પાવાપુરી જલ મંદિરના મહારાજ સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ફરી એકવાર મંદિરના સાધુ વિવાદમાં આવ્યા છે. પાવાપુરી જલ મંદિરના રાજા સાહેબ ઉર્ફે રાજ તિલક સાગરજી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અહીં એક મહિલાએ આઠ વર્ષ પહેલાનો કાળો ચિઠ્ઠો ખોલ્યો છે. આ ઘટનામાં મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આઠ વર્ષ પહેલા મહારાજે મારી સાથે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું.

એટલું જ નહીં, મહિલાએ જલમંદિરના સાધુ રાજ તિલક સાગરજી પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે મારી દીકરીને પોતાની દીકરીની જેમ રાખવાની લાલચ પણ આપી હતી. પરંતુ તેમણે એક પણ વચન પાળ્યું નહોતું. તેમણે મારી સાથે લગ્ન પણ કર્યા નથી, જ્યારે મને આ વિશે છેતરાયા હોવાનો અહેસાસ થયો ત્યારે મહિલાએ ઇડર પોલીસ સ્ટેશનમાં રાજા સાહેબ ઉર્ફે રાજતિલક સાગરજી સામે ફરિયાદ નોધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પાવાપુરી જળ મંદિરના બે મહારાજ સામે છેડતીની ફરિયાદ નોધાઇ હતી. જેમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા બંને મહારાજની અટકાયત પણ કરી હતી. બંને મહારાજને કોર્ટમાં રજુ કરતા જામીન મળ્યા હતા.