દિલ્હી-

દેશમાં વેકસીનેશનનો સૌથી મોટો કાર્યક્રમ જાહેર થયો છે અને વેકસીનની સપ્લાયની પણ સમસ્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર કોવિશિલ્ડની વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ફરી વધારવાની તૈયારી છે. અગાઉ બે ડોઝ 28 દિવસનો સમય નિશ્ર્ચિત હતો જે બાદમાં વધારીને 4-6 સપ્તાહ કરવામાં આવ્યો છે તે હવે 12 સપ્તાહનો સમય કરવા તૈયારી કરી રહી છે. સરકારે નિષ્ણાંતોને ટાકીને દાવો કર્યો છે કે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનો ગાળો હોય તો તે વધુ અસરકારક બની શકે છે. કોવિકસીન 12 સપ્તાહ બાદ લેવામાં આવે તો તે 81% અસરકારક નિવડે છે.

બીજી તરફ ગુજરાતની કેડીલા ઝાયડસ કંપ્નીની વેકસીનની હ્યુમન ટ્રાયલ પુરી થવામાં છે અને આ મહિનામાં જ આ વેકસીનની ઈમરજન્સી ઉપયોગની મંજુરી માંગી શકે છે. જો કે ઝાયડસ કેડીલાના ત્રણ ડોજ જરૂરી બનશે. આ સપ્તાહે કેડીલા ઝાયડસના પરીક્ષણ ડેટા આવી જશે અને પછી તે ડ્રગ ઓથોરીટી પાસે ઈમરજન્સી ઉપયોગની મંજુરી માંગશે. કેડીલા ઝાયડસના એમ.ડી. શર્વિલ પટેલે આ માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે અમો હવે એ તબકકામાં છીએ કે અમો આશા રાખીએ છીએ કે અમોને ઈમરજન્સી ઉપયોગની મંજુરી મળી શકે છે. અમારા ડેટા આવ્યા બાદ અમો ડ્રગ ઓથોરીટીને જાણ કરશું. આ વેકસીનની ટ્રાયલમાં 20000 લોકોને સામેલ કરાયા હતા. અને તેના બે ડોઝનું પરીક્ષણ સફળ રહ્યું છે. કેડીલા ઝાયડસ દર મહીને 1 કરોડ વેકસીન ડોઝ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને તે બે કરોડ ડોઝ સુધી પહોંચાડવા તૈયાર છે. હજું બે સપ્તાહ પૂર્વે કેડીલાની વિટાફીન કોરોના દવાને મંજુરી મળી છે.