લુણાવાડા, લુણાવાડા તાલુકાના ચારણગામ સાલાવાડાના યુવા જાગૃત નાગરિકોએ ગામનું દબાણ દૂર કરવા અંગે અરજીઓ અંગે તપાસ કાર્યવાહી શરૂ થતાં સરપંચે મોબાઈલ પર ધમકી આપતાં જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજુઆત કરતાં ચકચાર મચી જવા પામી છે. 

ચારણગામ સાલાવાડાના જાગૃત નાગરિકો લાલસિંહ પરમાર,હરીશચંદ્રસિંહ પરમારે કરેલ લેખિત રજુઆત પ્રમાણે ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રી ને દબાણ દુર કરવા માટે લેખિત અરજી આપતા તેઓએ કોઈ ધ્યાને ન લેતા અરજદારોએ બે વર્ષ પહેલા તાલુકા પંચાયત જીલ્લા પંચાયતમાં દબાણ દુર કરવા આરપીએડીથી લેખિત અને મૌખિક રજૂઆત કરતા તેઓએ એ પણ કોઈ પણ જાતની કાર્યવાહી ના કરતા જિલ્લા કલેકટરને લેખિત અરજી અને આવેદનપત્ર પણ આપેલ ત્યાર બાદ અરજદારોએ મુખ્યમંત્રી કાર્યાલય ઓફીસ નાયબ મુખ્યમંત્રી તથા મહેસુલ મંત્રીની દબાણ દુર કરવાની રૂબરૂ અરજીઓ આપી હતી.

ત્યાથી કલેકટરને જાણ કરતા લેટર મોકલતા તાત્કાલિક તપાસ આવી હતી જેથી સરપંચે અરજદારને ધમકીભર્યો ફોન કર્યો હતો. સરપંચ અને તેમના મળતિયા દબાણ કર્તાઓ વારંવાર ધમકીઓ આપવા અંગે ગભરાયેલ અરજદારોએ તેમની અને પરિવારની રક્ષા માટે જિલ્લા કલેકટર અને પોલીસ વડાને લેખિત રજુઆત કરતાં ચકચાર મચી જવા પામી છે.ચારણગામના તલાટી પૂર્ણિમાબેન રાવતે કહ્યું હતું કે જિલ્લા કલેકટરે તાત્કાલિક દબાણ દૂર કરવા સૂચના આપી છે પરંતુ માપણી શીટ મુજબ સ્થળ પર હદ ખૂંટ નથી તેથી માપણી અંગે નાણાં ભરી દીધા છે માપણી થશે એટલે તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવશે.