રાજકોટ, રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશમાં થયેલા છેતરપિંડીના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર ગોંડલના બે શખ્સની ધરપકડ કરી છે. હાલ મધ્યપ્રદેશ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. આ બંને શખ્સે મધ્યપ્રદેશની એક પેઢીના વેપારી પાસેથી ખાદ્યતેલનો ઓર્ડર લીધા પછી બીજી પેઢીને મોકલી ખોટા સહિ-સિક્કા કરી ૮૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસે બનાવના ૩ વર્ષ બાદ બંને શખ્સની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશના ગ્વાલીયર કોટવાલી લશ્કર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર નિખિલ રમણીક ભુત અને યાજ્ઞિક ગોવિંદ ઝાલાવાડીયા ગોંડલ સિટી પોલીસ મથક વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. આથી તુરંત બાતમીવાળા સ્થળે પહોંચી રૂરલ ક્રાઈમ બ્રાંચે બન્નેને દબોચી લીધા હતા અને મધ્યપ્રદેશ પોલીસને સોંપવા તજવીજ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ મધ્યપ્રદેશની એક પેઢીના વેપારી પાસેથી ખાદ્યતેલનો ઓર્ડર લીધા પછી બીજી પેઢીને તે માલ મોકલી ખોટા સહી સિક્કા સાથેના કાગળો કર્યા હતા. આમ આ કેસમાં રૂ.૮૩ લાખ જેટલી રકમની છેતરપીંડી થઈ છે જે ગુનામાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.