વડોદરા, તા.૧૮ 

શહેરના ગોરવા મધુનગર બ્રિજ નજીકથી ઓટોરિક્ષામાં દેશ બનાવટના તમંચા સાથે ફરતા બે ઈસમોની ગોરવાની સર્વેલન્સની ટીમે ઝડપી પાડી દેશી તમંચો, ચાકુ, ચાર મોબાઈલ ફોન અને ઓટોરિક્ષા મળી કુલ રૂા.૮૧ હજારનો મુદ્‌ામાલ જપ્ત કરી બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસસૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ગોરવા પોલીસ મથકની સર્વેલન્સની ટીમ તેના હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મધુનગર બ્રિજથી ખત્રીનગર તરફ જવાના રોડ પર ઓટોરિક્ષામાં બે શખ્સો દેશી બનાવટના તમંચા સાથે ફરી રહ્યા છે જેથી સર્વેલન્સની ટીમ એલર્ટ બની મધુનગર બ્રિજ અને ખત્રીનગર તરફ જતી-આવતી ઓટોરિક્ષાનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ઓટોરિક્ષામાં શંકાસ્પદ હાલતમાં બે શખ્સોને રોકયા હતા અને તેમની પૂછપરછ સાથે અંગઝડતી લેવામાં આવી હતી. જેમાં તેમની પાસેથી દેશી બનાવટનો તમંચો કિંમત રૂા.૧૦ હજાર, તીક્ષ્ણ ચપ્પુ રૂા.૧૦૦, જુદી જુદી કિંમતના ચાર મોબાઈલ ફોન કિંમત રૂા.૨૧ હજાર મળી આવ્યા હતા જે પોલીસે જપ્ત કરી ઓટોરિક્ષા સહિત રૂા.૮૧ હજારનો મુદ્‌ામાલ કબજે કરી ફતેગંજ કમાટીપુરા સ્લમ કવાર્ટર્સમાં રહેતો ધીરજ મહેન્દ્ર ગવળી (ઉં.વ.રપ) અને ખોડિયારનગર વુડાના મકાનમાં રહેતો રમેશ ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને શખ્સો વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી હતી.