દિલ્હી-

દિલ્હીથી ઝડપાયેલા ISISનો આતંકી અબૂ યુસુફને લઈને ચાલી રહેલી તપાસમાં મોટા ખુલાસાઓ થયા છે. યુસુફના ઘરમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રીઓ મળી આવી છે. બલરામપુર સ્થિત તેના ઘરમાંથી માનવ બોમ્બવાળું જેકેટ ઉપરાંત ભડકાઉ સાહિત્ય મળી આવ્યું છે. યુસુફની પત્નીએ પણ માન્યું કે યુસુફ ઘરમાં બારૂદ લાવતો હતો અને બોમ્બ બનાવતો હતો. એક દિવસ પહેલાં દિલ્હીમાં પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું.

દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલા આતંકી અબુ યુસૂફની પુછપરછ બાદ તેના આધાર પર તેના પિતા સહિત ત્રણ અન્ય લોકોની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી અબુ યુસુફના ગુમ થયાની નોંધ લેવા કોલ કરનાર મઝહરની દુબગ્ગા પોલીસે ધરપકડ કરી છે.કહેવામાં આવી રહ્યું છે કે, મઝહર આતંકવાદી યુસુફનો સબંધી છે. પોલીસે તેની ધરપકડ ફિરદૌસ કોલોની દુબગ્ગાથી કરી હતી. આ સાથે સમગ્ર ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ATS અને પોલીસ ટીમ દ્વારા ગત રાત્રે 12થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ડઝનથી વધુ લોકો ATSની રડાર પર છે.