લખનૌ-

ઉત્તર પ્રદેશના તકનીકી શિક્ષણ પ્રધાન કમલ રાની વરૂણનું 2 ઓગસ્ટ રવિવારે અવસાન થયું છે. શિક્ષણ મંત્રી કમલરાની કોરોના પોઝિટિવ હતા. લખનૌ પીજીઆઈ ખાતે તેની સારવાર ચાલી રહી હતી.

ઉત્તરપ્રદેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. નેતાઓ અને મોટા અધિકારીઓ તેની ઝપેટમાં આવવા લાગ્યા છે. કેબિનેટ મંત્રી કમલ રાનીને બે દિવસથી તાવ આવતો હતો. તેમણે સિવિલ હોસ્પિટલમાં ટ્રેનેટ મશીનથી પરીક્ષણ કરાવ્યું હતું, જે બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.ડી.એસ. નેગીએ જણાવ્યું કે, અંતિમ તપાસ માટે સેમ્પલ કેજીએમયુ મોકલવામાં આવ્યા છે. જેમાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેમને પીજીઆઈ અધિકારીઓ દ્વારા પીજીઆઇમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. શનિવારે રાત્રે તેમની તબિયત લથડી હતી. તેમનું રવિવારે સવારે અચાનક મોત નીપજ્યું હતું. 

આપને જણાવી દઈએ કે, આ અગાઉ યુપી સરકારમાં કેબીનેટ પ્રધાન રાજેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે મોતી સિંહની સાથે, ચેતન ચૌહાણ, આયુષ પ્રધાન ડો.ધર્મસિંહ સૈની, રમતગમત અને યુવા કલ્યાણ પ્રધાન ઉપેન્દ્ર તિવારી અને રઘુરાજ સિંહના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે રાજેન્દ્ર પ્રતાપ હવે સ્વસ્થ થઇ ગયા છે.