વડોદરા-

ભૂતકાળમાં ચૂંટણી ટાણે ગુપ્તરાહે રૂપિયાની હેરફેરના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે, ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર કારમાં ત્રણ લાખથી વધુની રોકડ અને ખંજર સાથે પસાર થતા યુવકને ઝડપી પાડ્યો હતો અને આ રકમ ક્યાંથી લાવ્યો અને નાણાનો ઉપયોગ કયા કામમાં કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પાણીગેટ પોલીસ સ્ટેશનના જવાનો શુક્રવારે વાઘોડિયા રોડ પર આવેલી વૈકુંઠ સોસોયટીના નાકા ઉપર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા, તે સમયે મોડી રાત્રે કારમાં શંકાસ્પદ વ્યક્તિ જણાતા પોલીસે કારને રોકી હતી. પ્રાથમિક પૂછપરછમાં કાર ચાલકે પોતાનું નામ ગનુભાઇ કાળુભાઇ ભરવાડ(રહે, જલારામનગર, વાઘોડિયા રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. કારમાં તપાસ કરતા ડ્રાઇવર સીટની બાજુમાં કવરમાં મૂકેલું ખંજર, રિવોલ્વર જેવું લાઇટર, રૂપિયા ૨૬ હજારની કિંમતના બે મોબાઈલ ફોન અને ૫૦૦ તથા ૧૦૦ના દરની ૩,૦૯,૫૦૦ કિંમતની નોટો મળી આવી હતી. આ રૂપિયા બાબતે પૂછપરછ કરતા યુવકે સંતોષકારક જવાબ આપ્યો નહતો.