વડોદરા-

સયાજી હોસ્પિટલના કોરોના બિલ્ડિંગમાં આવેલા આઈસીયુમાં આગની ઘટના થઈ હતી, જેને લઈને રાજ્ય સરકારે ત્વરિત તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિને સમગ્ર મામલા અંગે તપાસ કરવા આદેશ કર્યા હતા. તપાસ સમિતિ રચના થતાની સાથે જ તપાસ સમિતિના સભ્યોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટના અંગે એફએસએલની મદદ લઈ એફએસએલના રિપોર્ટ તૈયાર કરવા સૂચન કર્યું હતું.એફએસએલના રિપોર્ટ તૈયાર કરી તપાસ સમિતિના મુખ્ય સભ્ય અને વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલને સુપરત કર્યો છે, જે રિપોર્ટના અભ્યાસ બાદ ટૂંક સમયમાં ફાઈનલ રિપોર્ટ બનાવી વડોદરાના જિલ્લા કલેકટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને સુપરત કરવામાં આવશે. એફએસએલના રિપોર્ટ અંગે તપાસ સમિતિના મુખ્ય સભ્ય સુધીર પટેલે જણાવ્યું હતું કે, એફએસએલ રિપોર્ટ સમિતિને જમા કરાવ્યો છે અને બંધ કવરમાં આવેલા રિપોર્ટ અને અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ ફાઈનલ રિપોર્ટ તૈયાર કરી તે કલેક્ટરને સુપરત કરવામાં આવશે. સયાજી હોસ્પિટલના કોરોના કેર સેન્ટરમાં લાગેલી આગ વેન્ટિલેટરની ક્ષતિના કારણે લાગી હોવાનું જાણકારો માની રહ્યા છે ત્યારે તપાસ સમિતિનો રિપોર્ટ રજૂ થયા બાદ આ સમગ્ર મામલા અંગે સ્પષ્ટતા થઈ શકે તેમ છે.