વડોદરા, તા.૧

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના સંબંધિત અધિકારીઓ દ્વારા જાહેરનામાના પ્રસિદ્ધિની સાથે ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. નવા સીમાંકન મુજબ શહેરના વધેલા વિસ્તાર બાદ યોજાઈ રહેલી પ્રથમ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર લેવાના અને સ્વીકારવાની પ્રક્રિયાના પ્રથમ દિવસે જ ૩૩૭ જેટલા ફોર્મનો ઉપાડ થયો હતો.

આજથી વડોદરા પાલિકાના ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. તા.૧ થી ૬ ફેબ્રુઆરી સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. તા.૮મી ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રની ચકાસણી અને તા.૯મીએ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ કયા વોર્ડમાં કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

કોરોનાના કારણે ઉમેદવારીપત્રો લેવા અને ફોર્મ ભરવા સંદર્ભે ચૂંટણી તંત્ર દ્વારા ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જે મુજબ ઉમેદવારીપત્ર રજૂ કરતી વખતે પાંચથી વધુ વ્યક્તિ અને ત્રણથી વધુ વાહન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભ સાથે આજે પ્રથમ દિવસે સંબંધિત વોર્ડના ચૂંટણી અધિકારીઓની કચેરીમાંથી ૩૩૭ જેટલા ફોર્મનો ઉપાડ થયો છે જેમાં વોર્ડ નં.૧, ર અને ૩માં ૪૧, વોર્ડ નં.૪, ૫, ૬માં ૪૮, વોર્ડ નં.૭, ૮, ૯માં ૨૯, વોર્ડ નં.૧૦, ૧૧, ૧૨માં ૫૨, વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫માં પ૩ અને વોર્ડ નં.૧૬, ૧૭, ૧૮ અને ૧૯માં ૧૧૪ ફોર્મનો ઉપાડ થયો હતો. આમ પ્રથમ દિવસે જ ૩૦૦થી વધુ ફોર્મનો ઉપાડ થયો હતો.