વડોદરા-

વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે નિઝામપુરા વિસ્તારમાં સોડા શોપમાં દરોડો પાડીને IPLની મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહેલા બે શખ્સને ઝડપી પાડીને 18 હજાર રૂપિયાની મત્તા કબજે કરી હતી અને બે શખ્સને વોન્ટેડ જાહેર કર્યાં હતા. ક્રાઇમ બ્રાંચે બાતમીને આધારે રેડ પાડતા સટ્ટો રમાડતા શખ્સો ઝડપાયા

વડોદરા ક્રાઇમ બ્રાંચના પોલીસ જવાનો રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અજીત પટેલ નામનો વ્યક્તિ તેના મિત્ર સાથે મળીને નિઝામપુરા વિસ્તારના નાનુભાઈ ટાવરની સામે આશ્રય ફ્લેટ ખાતે આવેલી સોડા શોપમાં ઉપરના રૂમમાં બેસીને IPLની ક્રિકેટ મેચ પર મોબાઇલ ફોનના માધ્યમથી ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યો છે, જેના આધારે પોલીસે દરોડો પાડીને અજીત પટેલ અને કેશવભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

દરોડા દરમિયાન પોલીસે બે મોબાઇલ ફોન, એક LED ટીવી અને સેટ ટોપ બોક્સ સહિત 18 હજાર રૂપિયાની મત્તા કબજે કરી હતી, જ્યારે ઠક્કર ભાવિન(રહે, મહેસાણાનગર, નિઝામપુરા, વડોદરા) અને નરેશ સિંધીને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા.