વડોદરા : ગુજરાતની ભાજપ સરકારના પાંચ વર્ષના પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી રહી છે, તેની સામે જ્યારે કોંગ્રેસ દ્વારા પાંચ વર્ષમાં સરકાર તમામ મોરચે નિષ્ફળ રહ્યાના આક્ષેપ સાથે સરકારના લેખાંજાેખાં પ્રજા સમક્ષ રજૂ કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા આરોગ્ય બચાવ અભિયાન હેઠળ સયાજી હોસ્પિટલની બહાર ઓક્સિજન સિલિન્ડરોના પોસ્ટરો, સૂત્રોચ્ચાર સાથેના પોસ્ટરો સાથે દેખાવો-સૂત્રોચ્ચાર કર્યા હતા. રૂપાણી સરકાર વિરુદ્ધ દેખાવો કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ૧૮ જેટલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના સાશનકાળને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે વડોદરા શહેરમાં ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ શહેર કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારના શાસનકાળ દરમિયાન તથા કોરોનાકાળમાં પ્રજાને પડેલી મુશ્કેલીઓ-તકલીફોને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસના અગ્રણીઓએ બેનરો, પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરીને સયાજી હોસ્પિટલની બહાર વિરોધ-પ્રદર્શન કર્યુ હતું. વિરોધ-પ્રદર્શન દરમિયાન રાવપુરા પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા અમી રાવત, જગો બ્રહ્મભટ્ટ, સત્યજિતસિંહ ગાયકવાડ, અમિત ઘોટીકર સહિત ૧૮ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, પાંચ વર્ષના શાસનમાં તમામ મોરચે નિષ્ફળ ગયેલી ગુજરાતની ભાજપા સરકાર ઉજવણીઓ કરીને પોતાની નિષ્ફળતાઓ છૂપાવી રહી છે. સરકાર શિક્ષણ સાથે આરોગ્ય સેવા પૂરી પાડવામાં પણ નિષ્ફળ પુરવાર થઇ રહી છે. કોરોનાની મહામારીમાં લોકોને યોગ્ય સુવિધાઓ મળી નથી. ઓક્સિજન, વેન્ટિલેટર સહિત આરોગ્યલક્ષી ચીજવસ્તુઓ માટે લોકોને રઝળપાટ કરવો પડ્યો છે. સરકારે મોટું પાપ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના આંકડા છુપાવવાનું કર્યું છે.