બનાસકાંઠા : અત્યારે સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવત છે. રોજેરોજ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે, કોરોના વાયરસના શરૂઆતના દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દેશ અને રાજ્યોમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. જે તબક્કાવાર લંબાયું હતું અને ત્યારબાદ અનલોક પણ આપવામાં આવી રહ્યાં છે. જેમાં ધીમે ધીમે અનેક વસ્તુઓની છૂટ આપવામાં આવી રહી છે. અત્યારે દેશમાં મોટાભાગે બધું જ ખુલી ગયું છે. ત્યારે કોરોના વાયરસ ફેલાવા માટે મોકળું મેદાન પણ બની ગયું છે. પહેલા શહેરોમાં હાહાકાર મચાવતો વાયરસ હવે ગામે ગામ પહોંચી ગયો છે. અત્યારની સ્થિતિમાં કેટલાક રાજ્યોએ ફરીથી લોકડાઉન જાહેર કહ્યું છે. ઉત્તર ગુજરાતની સીમા ઉપર આવેલા બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં કોરોના કેસ વધતાં ગામે સ્વેચ્છાએ લોકડાઉન જાહેર કર્યું છે.  

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા બનાસકાંઠાના નેનાવા ગામમાં ફરી એકવાર લોકડાઉન કરવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર આ ગામની અંદર નવ જેટલા કોરોના પોઝિટિવ કેસો આવતા જ ગ્રામજનો ફફડી ઉઠયા છે. ત્યારે આ ગામમાં મહામારીનો ભોગ વધુ લોકો ન બને અને કોરોના વાયરસને વધતો અટકાવી શકાય તે માટે સરપંચ અને ગ્રામજનોની સાથે મળી ફરી એકવાર આ ગામને લોકડાઉન કરવાનો ર્નિણય લીધો છે. આગામી સાત દિવસ સુધી આ ગામની અંદર દૂધ અને મેડિકલ સિવાયની તમામ ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા છે. આ ર્નિણયને ગ્રામજનોએ પણ ખૂબ જ આવકર્યો છે અને તમામ લોકોએ આજથી જ ધંધા-રોજગાર બંધ રાખી કોરોના સામે ખભે ખભો મિલાવી લડત આપી રહ્યા છે, આઅંગે ગામના સરપંચ ગેનસિંહ દેવડાએ જણાવ્યું હતું કે કોરોના ને અટકાવવા ૭ દિવસ લોકડાઉન કર્યું છે અને કોરોના સામેની લડાઈમાં અમે બધા સાથે મળી ર્નિણય લીધો છે.