આણંદ, તા.૧૪ 

સ્વાતંત્ર્ય  દિનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ૭૪મા સ્વચ્છતાની જાળવણી જાગૃતતા કાર્યક્રમો ચાલી રહ્યાં છે. આણંદ જિલ્લામાં “ગંદકી મુકત” ભારત અભિયાનની ઉજવણી ૧૫મી ઓગસ્ટ સુધી પ્રત્યેક ગામોમાં કરવામાં આવી રહી છે. જાેકે, આ ઉજવણી કાગળ પર જ રહીને જમીન પર ઊતરી શકી ન હતી. આણંદ જિલ્લામાં ઠેર-ઠેર ગંદકી એમને એમ જાેવાં મળી રહી છે. ગંદકીથી આઝાદી મળે એવું લાગતું નથી. સરકારી તંત્ર અને તેનાં બાબુઓ ગંદકીથી આપણને આઝાદ કરાવી શકે તેવી તેમનાંમાં તાકાત હોય તેવું ક્યાંય દેખાતું નથી.

નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે ગાંધી દર્શન રાષ્ટ્રિય સ્વચ્છતા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ડિજિટલ અને આઉટડોર પ્રદર્શનોનું સંતુલિત મિશ્રણ સાથેનું હાઇટેક એડયુટેનમેંટ ફોર્મેટમાં સ્વચ્છતા સંબંધિ માહિતી, જાગૃતિ અને શિક્ષણ દ્વારા મહત્તમ નાગરિકોની સંલનગ્નતા સાથે રાષ્ટ્રિય સ્વચ્છતા કેન્દ્ર એક અનુભવ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લામાં “ગંદકી મુક્ત” ભારત અભિયાનની ઉજવણીના ભાગરૂપે તા.૮ ઓગસ્ટના રોજ ઇ-રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૯ ઓગસ્ટના રોજ ગામના  સરપંચોની આગેવાની હેઠળ એ વખતમાં વપરાશ કરી શકાય તેવા પ્લાસ્ટિકને એકત્ર કરી અલગ પાડવાનો કાર્યક્રમ યોજાયો હતો. 

    તા.૧૦ના રોજ ગામમાં શ્રમદાનની પ્રવૃતિઓ દ્વારા જાહેર મકાનને સાફ સફાઇ સાથે વ્હાઇટવોશ કરવા, ગ્રામ્યકક્ષાએ જાહેર સ્થળો અને દીવાલો ઉપર વોલ પેઇન્ટિંગ કરવા, તેની સાથેસાથે સ્વચ્છતા માટેનું જન આંઓલનનું વાતાવરણ ઊભું કરવું વગેરે કાર્યક્રમો આયોજિત કરાયાં હતાં. આ સાથે વૃક્ષારોપણ, ગંદકી મુક્ત મારું ગામના થીમ આધારિત ઓન લાઇન ચિત્ર સ્પર્ધા (ધોરણ ૬થી ૮), નિબંધ સ્પર્ધા ધોરણ-૯ થી ૧૨નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોખ્ખાઇ અને સ્વચ્છતા અંગેની ડ્રાઇવનું આયોજન પણ કરાયું હતું. આ બધાના અંતે આજે ૧૫ ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વના દિવસે સામાન્ય સભામાં ગામને ઓડીએફ પ્લસ ઘોષિત કરવામાં આવશે.

અલબત્ત, કાગળ પર ગંદકીમુક્ત ભારતનું આ અભિયાન ખુબ જ સુંદર દેખાતું હતું. આજે ૧૫ ઓગસ્ટ છે. જિલ્લામાં જ્યાં નજર કરવામાં આવે ત્યાં ગંદકી દેખાઈ રહી છે. તો પછી આ બધા કાર્યક્રમોનો મતલબ શું છે? એવાં પ્રશ્નો પૂછાઈ રહ્યાં છે. શું ચિત્ર સ્પર્ધાઓથી જમીન પરની ગંદકીમાંથી છુટકારો મળશે ખરો!?