ગાંધીનગર, કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં, ગુજરાતમાં ૨,૭૮,૨૩૨ મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં એટલે કે, વર્ષમાં મેટરનિટીના લાભ અપાયા છે તેમ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબિન ઈરાનીએ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીના જણાવ્યું હતું કે, સરકાર દ્વારા બે હેતુસર અમલ કરાય છેઃ (૧) રોજગારી ગુમાવવાની સામે આંશિક વળતરના રૂપમાં રોકડ પ્રોત્સાહનના અપાય છે, જેથી મહિલાઓ પ્રથમ બાળકની પ્રસૂતિ પહેલાં અને પછીથી પૂરતા પ્રમાણમાં આરામ કરી શકે અને (૨) સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓમાં આરોગ્ય અંગેની સભાનતા વધે તે માટે રોકડ પ્રોત્સાહન અપાય છે. પરિમલ નથવાણી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ કુલ કેટલી મહિલાઓને વર્ષ ૨૦૨૦માં લાભાર્થી તરીકે આવરી લેવાઈ છે અને વર્કિંગ વુમનના કલ્યાણ માટે સરકાર દ્વારા કયાં પગલાં લેવાય રહ્યા છે તે અંગે જાણવા માંગતા હતા. કેન્દ્રીય મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે સરકારે મેટરનિટી બેનિફિટ એક્ટ, ૧૯૬૧માં ૨૦૧૭માં સુધારો કર્યો છે. મુખ્ય સુધારાઓમાં મેટરનિટી લીવની સંખ્યા ૧૨ સપ્તાહથી વધારીને ૨૬ સપ્તાહ કરાઈ છે, કમિશનિંગ/એડોપ્ટીંગ માતાઓ માટે ૧૨ સપ્તાહની મેટરનિટી લીવ, ૫૦ કે તેનાં કરતાં વધારે કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં ફરજિયાત શિશુગૃહની જાેગવાઈ, જેમાં મહિલાને દિવસમાં ચાર વખત શિશુગૃહની મુલાકાતની જાેગવાઈનો સમાવેશ કરાયો છે, મહિલાઓને સોંપાતા કામના પ્રકારને આધારે મેટરનિટી લાભ મેળવ્યા બાદ મહિલા અને એમ્પ્લોયરની સમજૂતીને આધારે વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ આપવાની જાેગવાઈ અને મહિલાને તેની નિમણૂક સમયે આ કાયદા હેઠળના લાભો અંગે લેખિત અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફરજિયાત માહિતી આપવી વગેરેનો સમાવેશ થાય છે.