વડોદરા

વડોદરા ફાયર બ્રિગેડની સાથે સાંજે પણ પાલિકાની દબાણ શાખા સહિતની ટીમોએ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાના કારણે નમી ગયેલા ૭૯ જેટલા વૃક્ષોનું ટ્રિમિંગ તેમજ પુનઃ સ્થાપતિ થઈ શકે તેવા ચારથી પાંચ વૃક્ષોનું રિ-પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. વાવાઝોડાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક વૃક્ષોની ડાળીઓ અને કેટલાક વૃક્ષો નમી ગયા છે. ત્યારે નમી ગયેલા અને ભયજનક બનેલા વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી આજે પણ જારી રાખતાં પાલિકાની ટીમોએ તરસાલી, બરોડા ડેરી, ગોત્રી તળાવ, વડીવાડી, પરિવાર ચાર રસ્તા, તરસાલી ગામ ચાર રસ્તા, સોમા તળાવ, પ્રતાપનગર સહિત વિવિધ વિસ્તારોમાં ૭૯ જેટલા ઝાડનું ટ્રિમિંગ કરીને ડાળીઓ કાપી હતી. હાઈડ્રોલિક મશીન કટર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. જ્યારે તરસાલી તેમજ અન્ય બે થી ત્રણ વિસ્તારોમાં નમી ગયેલા અને પુનઃ સ્થાપન થઈ શકે એવા બે થી ત્રણ વૃક્ષોનું રિ-પ્લાન્ટેશન ક્રેઈન અને જેસીબીની મદદથી કરાયું હતું.