અમદાવાદ-

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા યુવાનને વેપાર દરમિયાન એક યુવક પરિચયમાં આવ્યો અને તેને ધીમે ધીમે યુવાનને દરેક પ્રકારના નશાનો બંધાણી બનાવી દીધો હતો. યુવક નશાનો બંધાણી થઈ ગયા બાદ તેને અન્ય યુવક સતત બ્લેકમેઈલ કરતા લાખો રૂપિયા પડાવી લીધા અને ઘરે બધી વાત કહી દેવાની ધમકી આપી બાઈક પણ લઈ લીધું હતું. આ વાતની જાણ યુવકના પિતાને થતા પિતાએ દીકરાને હિંમત આપી આ નશાના વિશચક્રમાંથી બહાર લાવવા માટે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતો રમેશ (નામ બદલ્યું છે) શહેર નજીક લાકડાનો મોટો વેપાર કરે છે. રમેશ વેપારના કામ દરમિયાન ગોમતીપુરના એક યુવકના સંપર્કમાં આવ્યો હતો. જેણે રોજ રોજની મુલાકાત દરમિયાન રમેશને પોતાની સાથે રાખી નાના મોટા નશો કરવા તૈયાર કરતો હતો.

આ સમયે રમેશને નશાની ધીમે ધીમે લત લાગી ગઈ. જે માટે રમેશ ગોમતીપુરના જાકીરહુસૈન શેખને નશા માટે વાત કરતો ત્યારે તેને તે રૂપિયાની માગણી કરતો હતો એટલું જ નહીં જાકીરે બાદમાં રમેશ પાછળ નશા માટે વાપરેલા રૂપિયાની ઉઘરાણી કરવા લાગ્યો હતો. પરંતુ રમેશે રૂપિયા ન આપતા જાકીર તેને ધમકી આપતો કે, જાે તું મને રૂપિયા નહીં આપે તો હું તારા પરિવારને આ અંગેની જાણ કરી દઈશ. રમેશ આ ધમકીથી ગભરાઈને જાકીરને લાખો રૂપિયા ચૂકવી ચૂક્યો છે. તેમ છતાં પણ તેની ઉઘરાણી ચાલુ રહેતા જાકીરે રમેશ પાસેથી ચેક લઈ લીધા અને એક સમયે રમેશની બાઈક પણ જાકીર લઈ ગયો હતો. આ અંગેની જાણ રમેશના પિતાને થતા તેણે દીકરાને સમજાવ્યો કે આવી રીતે કોઈનાથી ડરીશ તો તને સતત બ્લેકમેઈલ કરશે. જેથી રમેશે પિતાએ હિંમત આપ્યા બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.